- લેખકના બે બોલ
અમારા નડિયાદના સદ્ગત બાલાશંકરભાઈની ‘ગુજારે જે શિરે તારે’ એ ગઝલ મને નાનપણમાં બહુ પ્રિય. અને ગરીબાઈમાં ઘણું વેઠવાનું આવેલું હતું અને ઘણા કારમા પ્રસંગો પણ સાંપડેલા હતા. કઠણાઈઓ તો પાર વિનાની. શરીર તૂટી પડે, એટલી હદ સુધીની મજૂરી અને તેમાંય મજૂરી કરાવનારની પ્રપંચવૃત્તિ. આ બધાંમાં ‘ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે !’ આ ગઝલના ભજને મને ઘણું પ્રોત્સાહન આપ્યું હતું. એ ગઝલનો લય મારા કંઠમાં બેસી ગયો છે. તેથી, મારા સાધનાભ્યાસના કાળના જુદા જુદા તબક્કાનાં જુદાં જુદાં પાસાં ‘ગુજારે જે શિરે’ની લયમાં જ લખાયેલાં છે. ગઝલના શબ્દાકાર કે માત્રમેળ જાણતો નથી, પરંતુ ગાતાં ખટકાય નહિ, એટલું તો જોવાયું છે. સામાન્ય રીતે તો આપોઆપ જે કહેવાનું હોય છે, તે ઢાળમાં યથાસ્થિતપણે યોગ્ય રીતે નીકળ્યાં જ કરતું હોય છે, ભાગ્યે જ ફેરફાર કરવો પડે છે. એક વાર લખ્યું તે લખ્યું. ફરી વાંચી જતો પણ નથી, અને એને મઠારવાનું તો જાણતો જ નથી. જેમ જે સ્ફુર્યું તેને તેમને તેમ રાખ્યું છે.
હરિઃ ૐ આશ્રમ, નડિયાદ –મોટા
તા. ૩-૯-૧૯૭૨