જીવન મંથન Jivan Manthan

સ્વસાધના-કાળમાં પૂજ્ય શ્રીમોટા રચિત પ્રાર્થના
‘ તુજ ચરણે ’ ના ઉદ્ભવ અંગે
પ્રશ્ન : મોટા , ‘ તુજ ચરણે ’ હિમાલયનો પ્રવાસ કરતાં પહેલાં લખાયેલું ?
ઉત્તર : હા , પણ તેની પાછળ એક વાત છે . જ્યારે મારી ઉંમર ૨૪-૨૫ વર્ષની હશે ત્યારે નડિયાદ માં મેથડિસ્ટ્ ચર્ચના એક પાદરી – અમેરિકન ત્યાં હતા . તેમણે આપણા ધર્મ અને દેવદેવીઓ સંબંધે વાત કરી અને કહ્યું , ‘ તમારામાં ઘણાં બધાં શાસ્ત્રો , ઘણાં દેવદેવીઓ અને ગૂંચવાડો થાય એવું શાસ્ત્રપુરાણ વગેરે છે . જ્યારે અમારે ત્યાં એક જ ધર્મ અને એક જ ઈશ્વર ! ’ ત્યારે મેં કહ્યું , ‘ ના , એવું નથી . જુદી જુદી રુચિના જુદા જુદા માણસોને માફક આવી જાય તે રીતે ધર્મની વાતો અને આચારો નક્કી કરવામાં આવ્યાં છે .અમે પણ એક જ ઈશ્વરમાં અને એક જ પરમતત્ત્વમાં માનીએ છીએ . ’ ત્યારે પેલા પાદરીભાઈ કહે , ‘ મારા જોવામાં એવું કંઈ આવ્યું નથી . ’ એટલે તે જ દિનની રાતે સળંગ જાગતો બેસીને મેં તુજ ચરણે ’ લખી નાખ્યું અને બીજે દિવસે પાદરીભાઈને તે કાવ્ય બતાવ્યું . તેના લેખક કોણ છે , તે બતાવ્યું નહિ . તે ગુજરાતી જાણે એટલે તેમના કહેવાથી મેં આખું કાવ્ય વાંચી સંભળાવ્યું . તે સાંભળીને તે રાજી થયા . આમ , આમાં સાકાર અને નિરાકાર બંને રીતના પ્રભુનો , તેની ભક્તિનો ઉલ્લેખ છે અને વિશેષમાં આ કાવ્યના વેચાણમાંથી જે પૈસા મળ્યા , તેમાંથી મેં હિમાલયનો પહેલો પ્રવાસ ખેડ્યો .
– શ્રીમોટા
‘ શ્રીમોટા સાથે વાર્તાલાપ ’ , સાતમી આવૃત્તિ , પૃ . ૯૩-૯૪
પ્રશ્ન : ઘણા એમ કહેતા હોય છે , કે ‘ઘડપણમાં ગોવિંદ ગાઈશું’ . આ શક્ય છે ?
ઉત્તર : ઘડપણમાં મોટે ભાગે કોઈ ગોવિંદના ના ગુણ ગાઈ શકવાનું નથી . જીવનની સાધના એટલી સહેલી નથી . સાધનામાં જોઈતાં સાહસ , હિંમત , પુરુષાર્થનું બળ , ઉત્સાહ , ખંત , ધીરજ વગેરે ગુણો જુવાનીમાં જ વધુ ખીલેલા રહે છે . તે વેળાએ સાધનામાં જો ખૂંપી જવાનું બન્યું તો ઉત્તરોત્તર વિકાસ થયા કરવાનો . ત્યારે એવા માનવીને ઘડપણ હોવા છતાં ઘડપણ નહિ હોય . જુવાની એ તાજું ફૂલ છે . શ્રીભગવાનને ચરણે તાજાં ફૂલો ચડાવવાનાં હોય .
–શ્રીમોટા
‘શ્રીમોટા સાથે વાર્તાલાપ’ , આઠમી આ.; પૃ . ૧૪૬
લેખકના બે બોલ
અમદાવાદમાં ગુલબાઈના ટેકરે શ્રી પ્રમુખલાલભાઈને ત્યાં રોટલા જમવાનું આમંત્રણ હતું . ત્યાં બધા ભાઈઓ મળ્યા હતા . ‘જિજ્ઞાસા’ , ‘શ્રદ્ધા’ , ‘ભાવ’ , ‘નિમિત્ત’ , ‘રાગદ્વેષ’ , ‘કૃપા’ , ‘કર્મઉપાસના’, ‘શ્રીસદ્દગુરુ’ એ વિષય ઉપર જુદા જુદા સદ્ભાવીએ મને લખવાનું સૂચવ્યું . તેઓએ માત્ર લખવાનું સૂચવ્યું એટલું જ નહિ , પરંતુ તેનો પ્રકાશનખર્ચ પોતે માથે લઈ લેવાનું પ્રેમથી સ્વીકાર્યું અને તે છપાયેલાં પુસ્તકો વેચી આપવાનું પણ કબૂલ્યું . તેથી , श्रीहरि – કૃપાથી પરમાર્થમાં મદદ મળ્યાં કરી . વાતવાતમાં શ્રી પ્રમુખલાલભાઈએ મને ‘સ્વાર્થ’ ઉપર લખવા સૂચવ્યું અને પોતે તેનો ખર્ચ આપશે અને તે વેચી પણ આપશે એમ જણાવ્યું . આ સાંભળી એમ પ્રત્યાઘાત થયો કે ‘સ્વાર્થ’ વિશે શું લખવું ? એ તો ઉઘાડો જ છે , અને સ્વાર્થને તો બધાં જ ઓળખે છે . એ વિશે ઊંડું શું લખાય ? ’ વળી પાછું એમ થયું કે ‘ નાનામાં નાનું ભલેને અર્થ કે રહસ્ય વિનાનું હોય , છતાં તે વિશે શાસ્ત્ર કે વિજ્ઞાન જેવું લખાય ત્યારે જ ઉત્તમ .’ આવો વિચાર ઉદ્ભવ્યો અને श्रीहरि થી પ્રેરણા થઈ . એવામાં શરીરની – પેટની ભયંકર વેદના પ્રગટી અને દવાખાનામાં શરીરને દાખલ થવું પડ્યું . તે ગાળામાં ‘સ્વાર્થ’ અંગે માત્ર થોડુંક જ લખાયું હતું , તે પૂરું કરવામાં श्रीहरि થી દિલ લગાડવાનું થયું અને તે દવાખાનામાં જ પૂરું થયું .
આ ‘સ્વાર્થ’ લખવા જેમણે મને પ્રેર્યો , તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું . ‘સ્વાર્થ’ વિશે આવડ્યું તેવું ગાયું છે . એમાં જે દોષ હોય તે મારો છે . જે કંઈ સારું હોય તે श्रीहरिનું છે . સજ્જનો ફોતરાં ફોતરાં ફેંકી દઈ , કુશકા કાઢી નાખી ઉત્તમ ગ્રહવા કરવા જેવું લાગે તે ગ્રહણ કરશે એવી વિનંતી – પ્રાર્થના છે .
–મોટા
સ્થળ:- પી.ટી. જનરલ હોસ્પિટલ ,
બાલાજી રોડ , સુરત , તા . ૧૯-૨-૧૯૭૩
પૂજ્ય શ્રીમોટાએ ઘણીવાર હિમાલયની યાત્રા કરેલી . પોતાના સાધનાકાળ દરમિયાન યાત્રા કરેલી એના અનુભવો પૂજ્ય શ્રીમોટાએ વિગતે કહ્યા નથી . છતાં ત્રણેક જેટલા અનુભવો આલેખ્યા છે , પરંતુ ૧૯૪૫ માં પૂજ્ય શ્રી નંદુભાઈનો પરિવાર પુજ્ય શ્રીમોટા સાથે યાત્રાએ ગયેલો ત્યારે પૂજ્ય શ્રીમોટાના અલૌકિક અનુભવો પૂજ્ય શ્રીમોટાએ ‘ જીવનપોકાર ’ માં આલેખેલા છે . અને એકત્ર કરીને પ્રગટ કરવાનું શ્રી રમેશભાઈ ભટ્ટે સૂચવ્યું અને એ કામ એમણે હાથ પર લીધું . આ હકીકત તદ્દન નવા જ રૂપે એમણે સંપાદિત કરી છે .
પૂજ્ય શ્રીમોટાની સહાય ( આમુખ )
પૂજ્ય શ્રીમોટાએ પોતાના એક સ્વજનને લખેલા પત્રોનો આ સંચય જીવનવિકાસની સાધનાને અત્યંત સરળતાથી અને વ્યવહારુ રીતે સ્પષ્ટ કરે છે . પૂજ્ય શ્રીમોટાએ સંસારજીવનમાં રહીને પ્રભુમય જીવનનો અનુભવ કેવી રીતે પમાય એની અનેક રીતો દર્શાવી છે . એમાં સૌ કોઈ પોતપોતાનાં પ્રકૃતિ – સ્વભાવને સમજીને જાગૃતિથી કોઈ પણ રીતનો પ્રયોગ કર્યા કરે તો એને સવિશેષ તો પૂજ્ય શ્રીમોટાની ચેતનાશક્તિની સહાય મળ્યાનો અનુભવ થાય છે . પોતાની સાથે ‘ કોક ’ છે એવો સતત અનુભવ થતાં આપણામાં એક અનોખી હિંમત અને ધીરજ પ્રગટતાં અનુભવીએ છીએ .
પૂજ્ય શ્રીમોટાએ પ્રભુને બધું જ કહ્યા કરવાની રીત દર્શાવી છે . નિવેદનનો આ પ્રકાર અત્યંત સરળ હોવા છતાં કાળજીપૂર્વક આચરવાનો હોય છે . પ્રભુને કરાતાં નિવેદનમાં નિખાલસતા અને નિષ્ઠા અનિવાર્ય છે . જો નિખાલસતા હોય તો પ્રભુપ્રેમનો સ્પર્શ અનુભવાય અને નિષ્ઠા હોય તો પ્રભુપ્રેમ સ્પર્શની શક્તિથી વ્યવહારમાં નિવેદન દ્વારા વ્યક્ત થયેલી ભાવના જાગૃત રહે , અને જે ભાવનાથી કર્મ આચરવાં જોઈએ એવી ભાવનાથી એ આચરાય . નિવેદનની આ બારીક રેખા પ્રત્યે પૂજ્ય શ્રીમોટાએ ખાસ ધ્યાન દોર્યું છે .
બીજું ખુલ્લું થવા વિશેની વાત છે . આપણાં અંતઃકરણોમાં એટલે કે મન , બુદ્ધિ અને પ્રાણમાં જે વલણો જાગે છે , એને પ્રભુ સમક્ષ ખુલ્લાં કરી દેવાં રહ્યાં . મનના વિચારો , બુદ્ધિની શંકાઓ અને પ્રાણની વૃત્તિઓ જેવી જાગે એવી ખુલ્લી રીતે વ્યક્ત કરીને પ્રભુને પ્રભુના ચરણે ધરવી . એટલું જ નહિ પણ દિવસ દરમિયાન જે કંઈ કાર્ય આપણાથી થાય , જેવી ભૂમિકાથી થાય એ પણ ખુલ્લું કહી દેવું . ખુલ્લા થવામાં આ બીજો ભાગ મહત્ત્વનો છે . ખુલ્લા થવાની આ ક્રિયા જે કોઈ કરવા ઇચ્છે , એ સરળતાથી કરી શકે છે . આ ક્રિયા દ્વારા એક સૂક્ષ્મ પરિણામ આવે છે . જેથી સમજી આપણે ખુલ્લા થઈએ છીએ . એની સાથે આપણો દિલનો સંબંધ વધુ ગાઢ બનતો જાય છે . પરિણામે એમની ચેતનાશક્તિ આપણા સમગ્ર આધારમાં કામ કરતી થાય છે .
પૂજ્ય શ્રીમોટાએ મૌનએકાંતમાં નામસ્મરણ આદિ સાધનોની સાથે આવી કેટલીક મહત્ત્વની વ્યવહારુ સાધના આ પત્રોમાં સમજાવી છે . આ એકડો ઘૂંટવાથી ધીમે ધીમે એવો વિકાસ થશે કે જે અનંત તરફ દોરી જઈને , અનંતતાનો અનુભવ કરાવશે .
આ પત્રોમાંની એક ખાસ લાક્ષણિકતા છે . એમાં પૂજ્ય શ્રીમોટાએ પોતાના ગૂઢ – રહસ્યમય રૂપની ઝાંખી આપી છે . એક સ્થળે પૂજ્ય શ્રીમોટાએ લખ્યું છે કે , પોતે તાબોટા પાડનાર વ્યંઢળ નથી . આવી અભિવ્યક્તિ કોઈ પણ નવા વાચકને આશ્ચર્યમાં ગરકાવ કરી દે . પરંતુ પૂજ્ય શ્રીમોટાના સમગ્ર લખાણોમાં આવાં વચનો યથાર્થ રીતે પ્રગટ થયેલાં છે . લૌકિક અર્થમાં વ્યંઢળ શબ્દ તુચ્છ નિર્માલ્યપણાનું સૂચન કરનારો છે . પરંતુ એનો આધ્યાત્મિક અર્થ પણ છે . ‘ શ્રી સદ્દગુરુ ‘માં પૂજ્ય શ્રીમોટાએ આવી નાન્યતર જાતિ વિશે વાત લખી છે . એ પરથી સમજાય છે કે અનુભવની પણ એવી કક્ષા હોય છે જ્યાં સ્રી – પુરુષનો લિંગભેદ પરખાતો નથી . આવી અવસ્થામાં અત્યંત શક્તિ – સામર્થ્ય પ્રગટ થતાં હોય છે . ‘ તાબોટા ‘ એટલે માત્ર ખાલી પડેલો મોટો અવાજ એમ સમજવાનું છે . મતલબ કે પૂજ્ય શ્રીમોટા જે કંઈ કહે છે કે લખાણ દ્વારા વ્યક્ત થાય છે , એમાં નક્કરતા છે . માત્ર કહેવા કે સમજાવવા પૂરતું જ નથી . પરંતુ એ મુજબ આચરનારને એમની શક્તિની અખૂટ સહાય મળ્યાં જ કરે છે . આથી પૂજ્ય શ્રીમોટાના શબ્દો વાંચનારે એમ સમજવાનું નથી કે આમાં માત્ર ઠાલો ઉપદેશ છે . ક્યારેક પૂજ્ય શ્રીમોટાની વાણીમાં ઉગ્રતા – કઠણાશ હોય , ત્યારે પણ એમાં ઘાટ ઘડવાનું જોશ – જોમ – શક્તિ હોય છે . આથી એમની વાતને અવગણવી એ યોગ્ય નથી .
પૂજ્ય શ્રીમોટાએ આ પત્રોમાં પોતામાં પ્રગટ થયેલા વિભુત્ત્વની ઝાંખી વારંવાર કરાવી છે . આ પત્રોના વાંચનથી પૂજ્ય શ્રીમોટા સાથે સંબંધમાં આવનાર સૌ કોઈ તેઓશ્રીનું નિકટનું સ્વજન બની રહે છે . આ પત્રોમાંનો ઘણો જ મોટો ભાગ પદ્યમાં છે . એમાં આવી ઝાંખી – ઝલક વિશેષ પ્રમાણમાં અનુભવાય છે . ઉપરાંત એ પદ્યકથનમાં જીવન વિશેનું ગહન તત્ત્વજ્ઞાન પણ રજૂ થયું છે . એનું મનન – ચિંતન પણ વાચકને પૂજ્ય શ્રીમોટાના આંતરિક સ્પર્શનો અનુભવ અવશ્ય કરાવશે . પત્રસંચયનાં પ્રકાશનથી અભિનંદનીય ઉપકારક કાર્ય સધાઈ રહ્યું છે.
રમેશભાઈ મ . ભટ્ટ
તા .૧૩-૯-૧૯૯૫
અમદાવાદ -૩૮૦૦૦૭ .