પ્રકાશકના બે બોલ
પૂજ્ય શ્રીમોટાએ આ પુસ્તકના ‘લેખકના બે બોલ’માં મારા વિશે લખ્યું છે અને આ પુસ્તકના પ્રકાશક તરીકે મારું નામ મૂક્યું છે, આથી, ‘બે બોલ’ રૂપે મારે પણ કંઈક લખવું એમ થતાં આ લખું છું.
હું મૅટ્રિક પાસ થયો તે સમયથી પૂજ્ય શ્રીમોટાની મને પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ અનેક પ્રકારની સહાય મળી છે. હું એમના નિકટ સંપર્કમાં રહું છું, એટલે મને કંઈ ને કંઈ કામ સોંપે અને તે હું કેવી રીતે કરું છું તે જોઈ, તપાસી મારા સ્વભાવનું ઘડતર કરે. આ એમની આગવી લાક્ષણિકતા છે અને મને તેની ખબર પણ છે. આથી, એઓ મને કોઈ પણ રીતે વઢે કરે એવી એમને તક ન મળે એવી ચોકસાઈ રાખવા પ્રયત્ન કરું પણ ખરો, પરંતુ તેવી સતત જાગૃતિ રાખી શકું નહિ. સોંપેલ કર્મમાં ક્યાંક ભૂલ કરું જ અને તેમને તક અપાઈ જાય. પછી તેઓશ્રી મને લડે કરે તો ખાસ ખરાબ લાગે નહિ, કારણ ક્યાં કેવી ભૂલ કરી છે, તેનું ભાન તો તે પછી તુરત જ થઈ જતું, પણ તેને તો સુધારવાની તક મળતી નહિ. પણ આવા અનુભવે બીજાં કાર્યોમાં વધુ ચોકસાઈ, વધુ જાગૃતિ રહેતી.
પ્રિય પૂજ્યના પ્રત્યક્ષ સંપર્ક અને સ્નેહ ઉપરાંત તેઓશ્રીના પરમ ચેતના સાથેના અદ્વૈતાનુભવને લીધે મને પરોક્ષ સ્પર્શ અને પારલૌકિક અનુભવો થયા છે. એની વિગતમાં ઊતરવું એ અત્રે પ્રસ્તુત નથી. તેમ છતાં, આવા અનુભવો થતા હોવા છતાં મારા અંતરમાં તેઓશ્રી કહે છે એવી ભક્તિ જાગી નથી. જાગતી નથી એનો એકરાર કરવા આટલો ઉલ્લેખ કરું છું. મને જ્યારે જ્યારે એવા ચમત્કારિક અનુભવો થયા છે ત્યારે ત્યારે જાણે કે એ બધું મેં જોયેલું છે, અનુભવેલું છે, એવા સંસ્કારો મારા સચેતન માનસમાંથી પ્રગટ થાય- એવું મને લાગ્યા કરે કે આમાં કશું નવું નથી. ક્યાંક ક્યારેક અનુભવેલું છે. વળી, સત્પુરુષોની સોબતથી આવું તો અનુભવાય એમ બુદ્ધિ સ્વીકાર કરે, એથી આવા નક્કર અને જીવંત અનુભવોએ પણ મને પરમ ચેતના પરત્વેના અહોભાવમાં ડુબાડેલો નથી અને ભક્તિનો ઉદ્રેક અનુભવતો નથી. આ પ્રકારની સમજ પૂરતી મારી ભ્રમણા કે જડતા અથવા ઘોર તામસ પણ હોઈ શકે.
છતાં પણ ચિત્તના બંધારણમાં કર્મ પરત્વેની નિષ્ઠા અને પ્રમાણિકતાને લીધે ખંત, ઉદ્યમ અને ઉમળકો રહ્યા કરે. પહેલાં દૃષ્ટિ, વૃત્તિ અને વલણ સંપૂર્ણપણે સાંસારિક હતાં. છતાં એ મોળાં પડીને આધ્યાત્મિક માર્ગની આછી સમજ ચિત્તમાં અંકાઈ રહી છે, એનું કારણ પ્રિય પૂજ્યની સપ્રેમ કૃપા છે, એમ હું બુદ્ધિપુરઃસર સ્વીકારું છું. બુદ્ધિનો આવો સ્વીકાર હોવા છતાં ભાવ-ભક્તિનો ઉદ્રેક અનુભવાતો નથી એનો પણ હું સ્વીકાર કરું છું. પ્રિય પૂજ્યની અપાર કૃપાનો હું ભાજન બનેલો છું. મને પારલૌકિક શક્તિના અનેક પ્રકારના અનુભવો પણ થયા છે. અંતરમાં જન્મેલી આધ્યાત્મિક જીવન પરત્વેની સૂઝને લીધે હું એ માર્ગ ઉપર આગળ વધવાના પ્રયત્નો પણ કૃપામદદ માગી માગી કરું છું. છતાં હજી ભક્તિભાવમાં વેગ આવતો નથી એનો એકરાર પણ કરું છું.
‘જીવનપગદંડી’ પુસ્તકના પ્રકાશક તરીકે ‘બે બોલ’ દ્વારા મારા અંતરભાવની અભિવ્યક્તિને આ તક મળી છે ત્યારે મને એવી કશી પણ ભૂમિકા ન હતી, છતાં જે પ્રેમભાવ અને કૃપાને લીધે ચઢાણના आ માર્ગની સૂઝ પ્રગટી છે, એમાં પ્રેમભક્તિ ભાવભર્યો વેગ પ્રાપ્ત થાય એવી પ્રિય પૂજ્યને પ્રાર્થના કરી વિરમું છું.
–રમાકાંત પ્ર. જોશી