Categories
Book Gujarati books

કૃપાયાચના શતકમ (Krupa-Yachna Shatakam)

નિવેદન

પૂજ્ય શ્રીમોટા સાથે આગવી રીતે સંકળાયેલ સાથી સ્વ.હેમંતકુમાર નીલકંઠ કૃપામાર્ગના પ્રવાસી હતા. તેઓશ્રીના જીવનમાં પૂજ્ય શ્રીમોટાએ જે જે પ્રકારની હૂંફ અને સહાય પ્રેરી હતી, તેનો ઉલ્લેખ પૂજ્ય શ્રીમોટાના તેમ જ પૂજ્ય ભાઈશ્રી નંદુભાઈનાં પ્રકાશિત લખાણોમાંથી મળી શકે છે.

પૂજ્ય શ્રીમોટાની કૃપા યાચતા કેટલાક શ્લોકો સંસ્કૃત ભાષામાં ‘कृपायाचना शतकम्’ શ્રી નીલકંઠ દાદાએ રચેલા, પણ તેય ગુપ્તપણે. આવા શ્લોકો જ્યારે જાણકારીમાં આવ્યા ત્યારે તેમાંથી પસંદ કરાયેલ સો જેટલા શ્લોકોનો ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ કુરંગીબહેન દેસાઈએ કર્યો હતો. તેની પ્રથમ આવૃત્તિ સને ૧૯૯૬માં શ્રી યશવંતભાઈ પટેલ, રહેવાસી મણિનગર, અમદાવાદ દ્વારા થઈ હતી.

પૂજ્ય શ્રીમોટાના સાથીદાર તરીકે શ્રી નીલકંઠ દાદાની સ્મૃતિને ચિરંજીવ રાખવાના એક નમ્ર પ્રયાસ તરીકે તેમ જ જિજ્ઞાસુ સ્વજનો તેનો આસ્વાદ માણી શકે એ ભાવનાથી પ્રથમ પ્રકાશકની ઉદાર અનુમતિથી ‘कृपायाचना शतकम्’ની આ બીજી આવૃત્તિનું પ્રકાશન કરતાં અમો આનંદની લાગણી અનુભવીએ છીએ.

આ પુસ્તકની મુદ્રણશુદ્ધિનું કાર્ય પૂરા સદ્‌ભાવપૂર્વક શ્રી જયંતીભાઈ જાનીએ કરી આપ્યું છે. ટાઇટલ ડિઝાઇનનું કાર્ય શ્રી મયૂરભાઈ જાનીએ કરી આપ્યું છે. આ પુસ્તકને પૂરા સદ્‌ભાવથી છાપી આપવાનું કાર્ય સાહિત્ય મુદ્રણાલયના શ્રી શ્રેયસભાઈ વિષ્ણુભાઈ પંડ્યાએ કરી આપ્યું છે. પૂજ્ય શ્રીમોટા પરત્વેના ભક્તિભાવથી પ્રેરાઈને આ સર્વેએ આ પ્રકાશનમાં આપેલા સહકાર બદલ, તે સૌના અમો ખૂબ ખૂબ આભારી છીએ.

આશા છે કે સ્વજનો આ પ્રકાશનને આવકારશે.

પૂજ્ય શ્રીમોટાનો ૧૧૨મો જન્મદિન                                                                                                         ટ્રસ્ટીમંડળ,

ભાદરવા વદ ચોથ, સંવત ૨૦૬૫                                                                                                    હરિઃૐ આશ્રમ,સુરત

તા. ૪-૯-૨૦૦૯

Categories
Book Gujarati books

જીવનગીતા (Jivan Geeta)

નિવેદન

 સને ૧૯૩૨માં વિસાપુર જેલમાં પ્રથમ વખત શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા પૂજ્ય શ્રીમોટાના વાંચવામાં આવી. દરેક અધ્યાયને એકથી વિશેષ વખત વાંચી જતા. તે પછી તેના હાર્દને પકડી સમશ્લોકી ભાષાંતર તરીકે નહિ પણ ગીતાના તત્ત્વજ્ઞાનને સરળ ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ તરીકે અનુષ્ટુપ છંદમાં તેઓ રચતા ગયા. આ પ્રકારે જીવનગીતા’ રચાઈ છે.

પૂજ્ય શ્રી ગાંધીજીનું વ્યક્ત મંતવ્ય હતું કે આપણું ગુજરાતી સાહિત્ય સરળ અને ‘કોશિયો’ સમજે એવું હોવું જોઈએ. પૂજ્ય શ્રીમોટાને આ કથન સ્વીકાર્ય હતું. ઉપરાંત, તેમના ગુરુમહારાજે પણ જે તે લખાણ સરળ ભાષામાં લખવા કહેલું. અભણને પણ આ જીવનગીતા’ સમજાય છે કે કેમ તે જાણવા સૌ પ્રથમ પોતાનાં માતુશ્રી સૂરજબાને પૂજ્ય શ્રીમોટાએ આ રચનાનો કેટલોક ભાગ વાંચી સંભળાવ્યો હતો અને તેમનાં બાએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે તેઓને એ લખાણ સમજાય છે.

તાત્પર્ય કે આ જીવનગીતા’ની રચના સરળ ભાષામાં થઈ છે. પૂજ્ય શ્રીમોટાનાં સ્વજનોમાં તેમ જ જિજ્ઞાસુ ગુજરાતી ધર્મપ્રેમીજનોમાં પણ એ સ્વીકારાઈ છે. અત્યાર સુધીમાં તેની બારેક હજાર નકલ વેચાઈ ગઈ છે. હાલમાં આ પ્રકાશનની કોઈ પ્રત પ્રાપ્ય નથી. સ્વજનોમાં તેની સતત માંગ રહે છે, તેને ધ્યાનમાં રાખીને આ આઠમી આવૃત્તિનું પ્રકાશન ૧૩ વર્ષ પછી કરતાં અમો ધન્યતાની લાગણી અનુભવીએ છીએ.

ખાસ ઉલ્લેખ કરવાનો કે અગાઉની આવૃત્તિઓમાં અનેક શ્લોકોમાં પૂજ્ય શ્રીમોટાએ જે જે નવી કડીઓ ઉમેરી હતી, તે ફૂટનોટ તરીકે જે તે પાનાંની નીચે છપાઈ હતી. તે તમામ કડીઓને તેમના યોગ્ય લગત સંદર્ભે આ પ્રકાશનમાં સમાવાઈ છે. તેથી, વાંચવામાં સળંગતા અને સરળતા જળવાઈ રહેશે.

આ પુસ્તકની મુદ્રણશુદ્ધિનું કાર્ય પૂરા સદ્‌ભાવથી અને ચોકસાઈપૂર્વક શ્રી જયંતીભાઈ જાનીએ કરી આપ્યું છે. ટાઇટલ ડિઝાઇનનું કાર્ય શ્રી મયૂરભાઈ જાનીએ કરી આપ્યું છે. આ પુસ્તકને સદ્‌ભાવથી છાપી આપવાનું કાર્ય સાહિત્ય મુદ્રણાલયના શ્રી શ્રેયસભાઈ વિષ્ણુભાઈ પંડ્યાએ કરી આપ્યું છે. પૂજ્ય શ્રીમોટા પરત્વેના ભક્તિભાવથી પ્રેરાઈને આ સર્વેએ આ પ્રકાશનમાં આપેલા સહકાર બદલ, તે સૌના અમો ખૂબ ખૂબ આભારી છીએ.

અમોને આશા અને શ્રદ્ધા છે કે આ પ્રકાશનને પણ અગાઉનાં પ્રકાશનોની જેમ ધર્મપ્રેમી જિજ્ઞાસુઓ આવકારશે.

તા. ૨૯-૭-૨૦૦૭                                                                                                                                                                   ટ્રસ્ટીમંડળ,

ગુરુપૂર્ણિમા                                                                                                                                                               હરિઃૐ આશ્રમ, સુરત. .