Description
નિવેદન
પૂજ્ય શ્રીમોટા , હરિઃૐ આશ્રમ , સુરતમાં દર અઠવાડિયે મૌનએકાંત લેનાર સ્વજનો સમક્ષ મૌનએકાંતની સાધના પદ્ધતિ વિશે તથા જીવનના વિકાસ પ્રત્યે કેવી રીતે સાવધાન રહેવાય એ વિશે થોડીક મિનિટો બોલતા હતા . એ વાતોની નોંધ સદ્દ્ગત ભાઈશ્રી ચૂનીભાઈ તમાકુવાળાએ તથા ભાઈશ્રી ચંપકભાઈ ભૂતવાળાએ કરેલી . એ વ્યક્તવ્યોની નોંધ પૂજ્ય શ્રીમોટા વાંચી જતા હતા . આથી , એ નોંધો અધિકૃત ગણાય . આ પ્રવચનોની હસ્તલિખિત નોટબુકો સુરતનાં મૌનમંદિરોમાં રાખવામાં આવતી હતી , કેમ કે એ વાંચવાથી કોઈક સાધકને પ્રેરણા મળે .
એક વખત ભાઈશ્રી ધીરુભાઈ મોદીએ આ નોટબુકો પોતાના મૌનએકાંત દરમિયાન વાંચી . પરિણામે એમના જીવનમાં એમને ઘણી પ્રેરણા મળી . આથી , આ લખાણ છપાય તો ઘણા લોકોને લાભ મળે એવા હેતુથી એનું પ્રકાશન કરવાની એમના દિલમાં ભાવના જાગી . પરિણામે એમણે , મણિનગર ( અમદાવાદ ) નાં શ્રીમતી ડાહીબહેન ચીમનલાલ પટેલના સહયોગથી ‘ મૌનએકાંતની કેડીએ ’ પુસ્તક છપાવીને હરિ:ૐ આશ્રમને અર્પણ કર્યું . એ પુસ્તક ખૂબ જ લોકપ્રિય બન્યું અને ઘણાંને પ્રભુસ્મરણના માર્ગે પ્રેર્યાં . એ પુસ્તક વાંચીને મુંબઈના સુપ્રસિદ્ધ ડૉક્ટર શરદભાઈ દેસાઈને પ્રેરણા જાગી એટલે એમણે એ જ નોટબુકમાંનાં બીજાં વ્યાખ્યાનોનું પુસ્તક ‘ મૌનમંદિરનું હરિદ્વાર ‘ પ્રકાશિત કર્યું . પૂજય શ્રીમોટાનાં બીજાં ઘણાય પ્રવચનો છપાય વિનાનાં બાકી હતી .
આમ , આ શ્રેણીની હારમાળા થવા સર્જાયું હશે આ ત્રીજું પુસ્તક ‘ મૌનમંદિરનો મર્મ’શાહે પ્રકાશનનો તમામ ખર્ચ શ્રીમતી ડોક્ટર સરોજબહેન જિતેન્દ્રભાઈ શાહે ( આંખના સર્જન સિવિલ હોસ્પિટલ , અમદાવાદ ) પ્રેમભાવે આપ્યો છે . તેવા તેમના ભાવ માટે અમો ઘણા ઘણા તેમના આભારી છીએ . હજુ બીજી બે પુસ્તકો આ શ્રેણીમાં થાય એટલાં પ્રવચનો અપ્રગટ અમો પાસે છે , જે હવે પછી ની કૃપાથી પ્રગટ થશે તેવી આશા છે .
અગાઉનાં બંને પુસ્તકોની જેમ જ આ ત્રીજા પુસ્તકનું સંપાદનકાર્ય ભાઈશ્રી રમેશભાઈ ભટ્ટે કર્યું છે . પૂજ્ય શ્રીમોટા પરત્વેના ભાવની વૃદ્ધિને કાજે એ આ કાર્ય કરે છે . એવી એમની ભાવનાની અમે દિલથી કદર કરીએ છીએ .
પૂજ્ય શ્રીમોટાનું આ પુસ્તક જિજ્ઞાસુઓને જરૂર પ્રેરક અને માર્ગદર્શક નીવડશે એવી શ્રદ્ધા છે . પૂજ્ય શ્રીમોટાનાં પુસ્તકોના વેચાણની આવક તેઓશ્રીના આદેશ અનુસાર નાનાં ગામડાંઓમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ બંધાવી આપવાનાં કાર્યમાં વપરાય છે .
તા . ૧૩ જુલાઈ , ૧૯૮૪ નંદુભાઈ
સં . ૨૦૪૦ , ગુરુપૂર્ણિમા મેનેજિંગ ટ્રસ્ટી હરિ: ૐ આશ્રમ , નડિયાદ – સુરત
Reviews
There are no reviews yet.