લેખકના બે બોલ
आ બધાં લખેલાં ભજનો એ કાંઈ કાવ્યો નથી. એ તો બધાં જોડકણાં છે. અને તે રોજ ને રોજ વીસપચીસના જથ્થામાં લખાતાં જતાં હોય છે. એમાં નરી સરળતા પણ છે અને સમજાય તેવાં છે. श्रीहरिकृपाથી જે જે રીતે સાધના થઈ છે, જે જે રીતે સાધનામાં ઊંડું ઊતરાયું છે અને ત્યારે તેના પરિણામથી કરી જે તટસ્થતા, ચેતના પ્રગટ્યાં હતાં, અને તેના કારણે કરીને જે પૃથક્કરણ થયું તેનું દર્શન પણ आ ભજનોમાં ડોકિયાં કરતું જરૂર જણાય છે. આને કોઈ કાવ્ય તરીકે વિચારશો નહિ પણ જોડકણાં તરીકે જ સ્વીકારશો. જે કોઈ जीव સાધનાનો ખરેખરો શ્રેયાર્થી છે, તેને તો મમમમ સાથે કામ છે, ટપટપ સાથે નહિ, તેવા સદ્ભાવી શ્રેયાર્થીઓ તો મહીંથી મર્મને ગ્રહણ કરી લેશે.
મારું શરીર ઘણા વેદનાવાળા રોગોથી ભરપૂર છે. તે કાળે તેના શરીરને કોમળ લાગણીવાળી શુશ્રૂષાની ઘણી જરૂર, બલકે તેની આવશ્યકતા અને જરૂરિયાત પણ ખરી. તે માટે श्रीहरिએ કેટકેટલાં સ્વજનો બક્ષ્યાં છે ? અને મારા જેવા તીખા સ્વભાવને પણ તેઓ પ્રેમથી, ઉદારતાથી સ્વીકારી લઈ મારા શરીરને સેવા આપ્યાં કરે છે, તેને હું તો श्रीभगवानની કૃપાપ્રસાદી જ લેખું છું, કેટકેટલાં નામ લખું ? રાજુ, રેણુકા, શ્રીરામ, કાંતાબહેન, ઇંદુ, જયશ્રી, તે બધાંયનો બદલો તો श्रीहरि આપે.
આવાં પુસ્તકો વેચી આપવાનું કામ કેટલાક સદ્ભાવી સજ્જનો કર્યાં કરે છે અને હરિઃૐ આશ્રમે પરમાર્થને માટે ઉપાડેલાં કાર્યોમાં ઉઘરાવવા માટે સ્વયંમેળે જે ભાઈઓ ફાળો મેળવ્યા કરે છે, તે બધા ભાઈઓનાં નામનો ઉલ્લેખ કર્યા વિના હૃદયથી ઘણો આભાર માની લઉં છું. આ બધો મહિમા श्रीहरिના નામના પ્રતાપનો જ છે.
‘કેવો હતો ? પતિત શો મુજને ચઢાવ્યો !
ક્યાંયનોય ક્યાંય મુજને ગગને ઉરાડ્યો’,
દાંડી પીટી જગતને કહું ધ્યાન લેજો,
એ છે પ્રતાપ પદની રજધૂલિકાનો.
હરિઃૐ આશ્રમ,
નડિયાદ –મોટા
તા. ૨૩-૨-૧૯૭૪