Categories
Book Gujarati books

જીવનઆહલાદ (Jivan Aahlad)

સંપાદકના બે બોલ

જ્યારે પૂજ્ય શ્રીમોટાએ ‘જીવનઅનુભવગીત’થી તેમના સ્વાનુભવની વાણી વહેતી શરૂ કરી, ત્યારે તેમના સંબંધમાં આવેલાં સ્વજનો ઘણાં રાજી થયાં.

જોકે પૂજ્ય શ્રીમોટાએ આ અગાઉ લખેલાં તેમનાં પુસ્તકોમાં જીવનસાધના કરવા ઇચ્છતાં ભાઈબહેનોને માર્ગદર્શક થઈ પડે તેવાં ઘણાં લખાણો સંપૂર્ણ વિગતે લખ્યાં છે અને તેમાંય તેમના સ્વાનુભવની વાણી આવે છે ખરી, પરંતુ જીવનઅનુભવગીત’થી શરૂ થતી તેમની સ્વાનુભવની વાણી એ તેમની સાધનાપંથની નરી વાણી છે. તે રીતે સાધના કરવા જતાં કેવાં કેવાં કષ્ટો પડે છે, કેવી કેવી ભુલભુલામણી આવે છે અને સાધનાની સિદ્ધિનું શિખર સર કરવા માટે કેવાં કેવાં કઠોર તપમાંથી પસાર થવું પડે છે, તેનાં દર્શન તેમની આ સ્વાનુભવની વાણીમાંથી થાય છે. જેથી, જિજ્ઞાસુ સાધકોને માર્ગદર્શન મળશે એવી આશા છે.

ગીતામાં પરમાત્મા પ્રાપ્તિ માટે નામસ્મરણનો આધાર લેવાનું કહ્યું છે. પૂજ્ય શ્રીમોટાએ પણ એકાંતમાં શાંતિથી સૌ નામસ્મરણ કરી શકે, તે માટે તેમના આશ્રમોમાં મૌનમંદિરો સ્થાપ્યાં છે અને નડિયાદ, સુરત, કુંભકોણમ્‌ અને નરોડા(અમદાવાદ)માં આવેલાં આ મૌનમંદિરોમાં બેસીને ઘણાં ભાઈબહેનો તેમના ઇષ્ટ દેવ કે તેમના ઇષ્ટ મંત્રનો જાપ કરતાં હોય છે. પૂજ્ય શ્રીમોટાએ તેમની સાધનાની શરૂઆત નામસ્મરણથી જ શરૂ કરેલી. એથી જ તેમની સ્વાનુભવની વાણીમાં તેમણે સ્મરણ મહિમાને વિશેષ ગાયો છે.

આ રીતે પૂજ્ય શ્રીમોટાએ જ્યારે તેમની સ્વાનુભની વાણી લખવા માંડી, ત્યારે તે લખવાનું તેઓ ચાલુ રાખે અને તેની પ્રસિદ્ધિની જવાબદારી અમે તેમનાં સ્વજનો લઈ લઈશું એવી તેમને વાત કરી અને તેમણે તે સ્વીકારી, તેના પરિણામે જીવનઅનુભવગીત’ પછી જીવનઝલક’, જીવનલહરિ’, જીવનસ્મરણ’, જીવનરસાયણ’ વગેરે પુસ્તકો રજૂ થયાં છે અને તે પછી હવે આ જીવનઆહ્‌લાદ’ પુસ્તક રજૂ થાય છે.

પૂજ્ય શ્રીમોટાએ આ જીવનઆહ્‌લાદ’ છપાવવાનું કામ મને સોંપ્યું, તેને હું મારું સદ્‌ભાગ્ય સમજું છું. તેમના હાથે તેમની સ્વાનુભવની વાણીનાં હજી આવાં બીજાં ઘણાં ઘણાં પુસ્તકો લખાય અને છપાય તથા તેઓશ્રી સમાજ-પરમાર્થનાં કામ કરવા માટે ઘણું ઘણું જીવો એ જ પ્રાર્થના.

 ‘હરિનિવાસ’,                                                                                                                                      પુષ્પાબહેન જયરામભાઈ દેસાઈ

ગોયાગેટ કો. ઑ.

હાઉસિંગ સોસાયટી,

પ્રતાપનગર, વડોદરા-૪