લેખકના બે બોલ
(પ્રથમ આવૃત્તિ)
‘જીવનઅનુભવગીત’ છપાતું હતું, ત્યારે એક શ્રીમતી ડૉક્ટર બહેને વિનંતી કરી કે ‘મોટા, મને પણ રોજની એકાદ ગઝલ પોસ્ટકાર્ડ દ્વારા લખી મોકલો, તો તે બધી એકઠી થયે, તે પુસ્તકરૂપે છપાવીશ.’ શ્રીપ્રભુકૃપાથી તે નિમિત્તે મળ્યું, તેને શ્રીપ્રભુકૃપાની અણમોલ પ્રસાદી સમજું છું.
આવું યોગ્ય નિમિત્ત મળવાથી સ્મરણના સાધનને શ્રીપ્રભુકૃપાથી आ जीवे કેવી રીતે જીવનમાં તાણાવાણાની પેઠે વણી લીધેલું છે, તેનો ઇતિહાસ થોડો ઘણો પણ લખવાનો જે અવસર મળ્યો છે, તેને હું મારું સદ્ભાગ્ય ગણું છું. ‘જીવનઅનુભવગીત’, ‘જીવનલહરિ’ અને ‘જીવનઝલક’ એ ત્રણે પુસ્તકોમાં સ્મરણને મેં જે રીતે બહુવિધ દોહરાવ્યું છે, તે જોતાં आ जीवे સ્મરણ સાધનને જે ભાવે અને જે હેતુની સભાનતાથી લીધા કરેલું છે, તેનો સળંગ ઇતિહાસ તો નહિ, પરંતુ તેનો કંઈક ઇશારો તો મળી શકે તેવું છે.
શ્રીપ્રભુકૃપાથી કેવાં કેવાં નિમિત્ત મળ્યાં છે અને તે નિમિત્તોએ મને જે મદદ કરેલી છે, તેનો પણ એક સ્વતંત્ર અને નોખો ઇતિહાસ છે. એવાં અનેક સ્વજનોના અને आ जीवના.
(અનુષ્ટુપ)
‘દોષો કેવા થયેલા જે તેના તે પરિણામને-
‘શૂળીનું વિઘ્ન સોયેથી ટળે’, તે ભાવથી હૃદે,
મળ્યાં-નિમિત્ત-સંબંધે વર્તાતાં, હેતુથી જ તે-
–ભોગવાતાં, સ્તવું, મોળું થજો દોષનું જીવને.’
પ્રત્યેક કંઈક પ્રાર્થના કરી કરી શ્રીપ્રભુનાં ચરણકમળમાં પ્રેમભક્તિભાવે સમર્પણ કર્યા કરવાનો જે જ્ઞાનભાન સાથેનો જીવંત અભ્યાસ પડ્યા કરેલો છે, તેથી તેવાં તેવાં નિમિત્ત સંબંધોનાં તેવાં તેવાં સ્મરણને પણ સમર્પણભાવે શ્રીહરિનાં ચરણકમળમાં શુદ્ધ થવા સમર્પણ કરી કરી પ્રાર્થું છું કે :-
(અનુષ્ટુપ)
થવા પાત્ર પ્રભુને તે સ્વજન દિલમાં ઊંડું,
‘ડંખનું ભાન પ્રેરાવી જગાડો તેમને’, સ્તવું.
જે રીતે, જે ભાવે શ્રીભગવાનને મારાથી ભજવાનું થયેલું છે, તે જ મેં સ્વજનોને ગાઈ બતાવ્યું છે અને સ્વજનોને પણ પોતાને શ્રેયાર્થી થવાની ઉત્કટ ઝંખના હોય, તો તેવાએ પણ કેવું કેવું થવું જોઈશે, તે પણ શ્રીપ્રભુકૃપાથી દર્શાવવાનું થયેલું છે.
નિમિત્ત હેતુએ મળેલાં સ્વજનો મારાં આવાં લખાણને સ્વીકારી પ્રેમથી વધાવી લેશે એવી શ્રદ્ધા સેવું છું.
તે ડૉક્ટર બહેનનો હૃદયથી આભાર માનું છું કે મને આવી રીતે વ્યક્ત થવાની તક તેમણે પ્રેરાવી.
આ તો માત્ર જોડકણાં છે અને તે રીતે શ્રેયાર્થી એને સ્વીકારશે એવી વિનંતી છે.
– મોટા
હરિઃૐ આશ્રમ,
શેઢી નદી, નડિયાદ.
તા. ૧૯-૮-૧૯૭૧