Categories
Book Gujarati books

જીવનકેડી (Jivan Kedi)

લેખકના બે બોલ  

બધાં લખેલાં ભજનો એ કાંઈ કાવ્યો નથી. એ તો બધાં જોડકણાં છે. અને તે રોજ ને રોજ વીસપચીસના જથ્થામાં લખાતાં જતાં હોય છે. એમાં નરી સરળતા પણ છે અને સમજાય તેવાં છે. श्रीहरिकृपाથી જે જે રીતે સાધના થઈ છે, જે જે રીતે સાધનામાં ઊંડું ઊતરાયું છે અને ત્યારે તેના પરિણામથી કરી જે તટસ્થતા, ચેતના પ્રગટ્યાં હતાં, અને તેના કારણે કરીને જે પૃથક્કરણ થયું તેનું દર્શન પણ ભજનોમાં ડોકિયાં કરતું જરૂર જણાય છે. આને કોઈ કાવ્ય તરીકે વિચારશો નહિ પણ જોડકણાં તરીકે જ સ્વીકારશો. જે કોઈ जीव સાધનાનો ખરેખરો શ્રેયાર્થી છે, તેને તો મમમમ સાથે કામ છે, ટપટપ સાથે નહિ, તેવા સદ્‌ભાવી શ્રેયાર્થીઓ તો મહીંથી મર્મને ગ્રહણ કરી લેશે.

મારું શરીર ઘણા વેદનાવાળા રોગોથી ભરપૂર છે. તે કાળે તેના શરીરને કોમળ લાગણીવાળી શુશ્રૂષાની ઘણી જરૂર, બલકે તેની આવશ્યકતા અને જરૂરિયાત પણ ખરી. તે માટે श्रीहरिએ કેટકેટલાં સ્વજનો બક્ષ્યાં છે ? અને મારા જેવા તીખા સ્વભાવને પણ તેઓ પ્રેમથી, ઉદારતાથી સ્વીકારી લઈ મારા શરીરને સેવા આપ્યાં કરે છે, તેને હું તો श्रीभगवानની કૃપાપ્રસાદી જ લેખું છું, કેટકેટલાં નામ લખું ? રાજુ, રેણુકા, શ્રીરામ, કાંતાબહેન, ઇંદુ, જયશ્રી, તે બધાંયનો બદલો તો श्रीहरि આપે.

આવાં પુસ્તકો વેચી આપવાનું કામ કેટલાક સદ્‌ભાવી સજ્જનો કર્યાં કરે છે અને હરિઃૐ આશ્રમે પરમાર્થને માટે ઉપાડેલાં કાર્યોમાં ઉઘરાવવા માટે સ્વયંમેળે જે ભાઈઓ ફાળો મેળવ્યા કરે છે, તે બધા ભાઈઓનાં નામનો ઉલ્લેખ કર્યા વિના હૃદયથી ઘણો આભાર માની લઉં છું. આ બધો મહિમા श्रीहरिના નામના પ્રતાપનો જ છે.

‘કેવો હતો ? પતિત શો મુજને ચઢાવ્યો !

ક્યાંયનોય ક્યાંય મુજને ગગને ઉરાડ્યો’,

 દાંડી પીટી  જગતને  કહું ધ્યાન    લેજો,

 એ  છે  પ્રતાપ   પદની    રજધૂલિકાનો.

હરિઃૐ આશ્રમ,

નડિયાદ                                                                                                                                                                                        –મોટા

તા. ૨૩-૨-૧૯૭૪

Categories
Book Gujarati books

જીવનચણતર (Jivan Chantar)

નિવેદન

 પૂજ્ય શ્રીમોટાની સાધનાની જેમ તેમનું સાહિત્ય સર્જન પણ ઝપાટાભેર ચાલ્યું છે. ઉપરાંત, આવાં ભજનોમાં તેમની સાધનાનો ઇતિહાસ છુપાયેલો છે.

પૂજ્ય શ્રીમોટા વિરચિત વિપુલ અને વિરલ સાહિત્યના અભ્યાસીને ઉપર જણાવેલ વિગતની યથાર્થતા કંઈક અંશે સમજાશે. આવા સાહિત્યમાં જીવનચણતર’નો સમાવેશ થાય છે.

વર્ષો વીતશે તેની સાથે સ્વજનોમાં પૂજ્ય શ્રીમોટાના પદ્યસર્જન પ્રત્યે અભિરુચિ વધતી રહેશે અને તેનું વાચન-મનન તેમના જીવનવિકાસના પંથ ઉપર ઉપયોગી બનશે, એવી આશા અને શ્રદ્ધા સાથે જીવનચણતર’ની આ બીજી આવૃત્તિ સ્વજનોનાં કરકમળમાં આનંદની લાગણી સાથે અમો રજૂ કરીએ છીએ.

આ પુસ્તકની મુદ્રણશુદ્ધિનું કાર્ય પૂરા સદ્‌ભાવથી અને ચોકસાઈપૂર્વક શ્રી જયંતીભાઈ જાનીએ કરી આપ્યું છે. ટાઇટલ ડિઝાઇનનું કાર્ય શ્રી મયૂરભાઈ જાનીએ કરી આપ્યું છે. આ પુસ્તકને  સદ્‌ભાવથી છાપી આપવાનું કાર્ય સાહિત્ય મુદ્રણાલયના શ્રી શ્રેયસભાઈ વિષ્ણુભાઈ પંડ્યાએ કરી આપ્યું છે. પૂજ્ય શ્રીમોટા પરત્વેના ભક્તિભાવથી પ્રેરાઈને આ સર્વેએ આ પ્રકાશનમાં આપેલા સહકાર બદલ, તે સૌના અમો ખૂબ ખૂબ આભારી છીએ.

આશા છે કે સ્વજનો આ પ્રકાશનને આવકારશે.

ભાદરવા વદ-૪, સંવત ૨૦૬૩                                                                                                                                             ટ્રસ્ટીમંડળ,

તા. ૩૦-૯-૨૦૦૭                                                                                                                                                        હરિઃૐ આશ્રમ, સુરત