પૂજ્ય શ્રીધૂણીવાળા દાદાજીની લીલાકથા (ENG)
પૂજ્ય શ્રીમોટાને શ્રીબાળયોગીજી મહારાજે દીક્ષા આપેલી અને જણાવેલું કે પોતે શ્રીધૂણીવાળા દાદાજી-શ્રીકેશવાનંદજી પ્રેરિત આવેલા હતા. આથી, શ્રીમોટાના સદ્દગુરુ તો શ્રીકેશવાનંદજી-ધૂણીવાળા દાદાજી છે. શ્રીકેશવાનંદજીની જીવનકથા વિશે જિજ્ઞાસા જાગે એ સ્વાભાવિક છે. જોકે આધ્યાત્મિક અર્થમાં તો કોઈપણ અનુભવી પુરુષની જીવનકથા હોય જ નહિ, કેમ કે એવા લોકોત્તર પુરૂષોનું અનંત વિહારી અને રહસ્યમય આંતરિક જીવન હોય છે. આથી, આવા પુરુષોની કથા લખવી એ મુશ્કેલ છે. તેમ છતાં જેમના જન્મના તથા આરંભની સાધનાના આધારો મળતા હોઈ તો એને આધારે આછીપાતળી રેખા દોરી શકાય.
શ્રીકેશવાનંદજી-‘ધૂણીવાળા દાદાજી’ તરીકે વિખ્યાત અવધૂત નગ્ન સંત તરીકે ભારતમાં પ્રસિદ્ધિ પામેલા છે. એમના જીવન વિશે લખાયેલા પુસ્તકો તપાસતાં જેટલી માહિતી એકત્ર કરી શકાય એનો ઉપયોગ આ ચરિત્ર લખવામાં કર્યો છે. શ્રીકેશવાનંદજીના જીવનમાં બનેલી ઘટનાઓ તથા એમના થકી લોકોએ જોયા, જાણ્યા અને અનુભવ્યા એવા બનાવોનો તર્કના આધારે ખુલાસો આપવો મુશ્કેલ છે. આધ્યાત્મિક સાધનામય જીવનની ઘટનાઓ ઘણી સૂક્ષ્મ હોય છે, કેમ કે એ આત્માને આધારે થતી હોય છે. આત્મા એ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે અને આત્માની શક્તિ અનંત અને અમાપ છે. આપણામાં રહેલી બુદ્ધિશક્તિ આત્માથી પ્રકાશિત હોવા છતાં એ પૂર્વના સંસ્કારોથી અને પ્રકૃતિથી આવરાયેલ હોવાથી આત્માના અનુભવને પુરેપુરો સમજી શક્તિ નથી. કાર્યકરણનો વૈજ્ઞાનિક નિયમ તો સાર્વત્રિક છે. આધ્યાત્મિક વિજ્ઞાનમાં પણ કાર્યકારણ હોઈ છે, પરંતુ એવા કાર્યનું કારણ સૂક્ષ્મ અને ગૂઢ હોવાથી આપણી બુદ્ધિની પકડમાં આવતું હોતું નથી. એ તો અનુભવ થાય ત્યારે જ સમજાય છે.
આમ છતાં પૂજ્ય શ્રીમોટાએ આધ્યાત્મિક વિજ્ઞાનના આવા ‘કારણ’ ને સમજવા માટે નિમિત્ત શબ્દ યોજ્યો છે. આ વિષય ગહન હોવાથી એને સમજાવતાં ઘણો વિસ્તાર થઇ જાય. આથી, શ્રીકેશવાનંદજીની જીવનઘટનાઓને ‘લીલા’ રૂપે સ્વીકારવી જોઈએ. આવું પણ બની શકે એવા સંભવનો સ્વીકાર કરીને આ ચરિત્રને માણવું જોઈએ.
શ્રીકેશવાનંદજીના શરીરના મરણનું પંચનામું થાય અને પુનઃ બીજા જ રૂપે અને નામે એ જ પ્રગટે – એવી સંભાવના ગૂઢ યોગશક્તિથી સંભવિત હોઈ. ‘માનો યા ન માનો!’ એવી અદ્ભૂત શક્તિઓનો આવિર્ભાવ આ પૃથ્વી ઉપર શક્ય છે.
બીજું, શ્રીકેશવાનંદજીના રૂપે એમના સામર્થ્યના અનેક અદ્દભુત પ્રસંગો છે. લોકોનો રોગ મટે, દુઃખ દૂર થાય, સુખશાંતિ થાય-એ સંભવિત છે. છતાં આવી ઘટનાઓ સાર્વત્રિક બનતી નથી. જે વ્યક્તિ મૂળ સિદ્ધ પુરુષના નિમિત્ત રૂપે હોય તેને જ આવો અનુભવ થાય. દરેક જણના રોગ મટે કે પુત્રપ્રાપ્તિ કે ધનપ્રાપ્તિ થાય એવો નિયમ તારવી ન શકાય. આ બધા પ્રસંગોનું તાત્પર્ય એટલું જ કે માનવદેહમાં ત્યારે ઐશ્વર્ય પ્રગટે છે ત્યારે માનવીની કલ્પનામાં પણ ન આવે એવું બની શકે છે. આવા પુરુષોના નિમિત્તે પ્રગટતી લીલામાં શ્રીભગવાનની શક્તિનાં દર્શન કરવા અને આપણો અહંકાર જ્ઞાનયુક્ત નમ્રતામાં લઇ જવો એટલું જ તાત્પર્ય આપણે ગ્રહણ કરવાનું છે. આ પુસ્તકના લેખન માટે પ્રેરનાર તથા લખાણનું યોગ્ય સંમાર્જન કરનાર શ્રીરમેશભાઈ ભટ્ટ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું.
આ પુસ્તકની મુદ્રણશુદ્ધિ માટે શ્રી જયંતીભાઈ જાનીએ ભારે જહેમત અને ચીવટ દાખવ્યાં છે. એ માટે એમનો હૃદયપૂર્વક આભાર માનું છું.
પૂજ્ય શ્રીધૂણીવાળા દાદાજીના તથા પૂજ્ય શ્રીમોટાના ચાહકોને આ ચરિત્ર રોચક બનશે એવી શ્રદ્ધા છે. – સુશીલા ટી.અમીન