આપણા દેશના ભિન્ન ભિન્ન ધર્મસંપ્રદાયોમાં જુદી જુદી સાધનાપદ્ધતિઓ છે. એમાં મોટા ભાગના ધર્મોએ નામસ્મરણને જુદાં જુદાં રૂપે સ્વીકાર્યું છે. જ્યાં નામસ્મરણ નથી ત્યાં ‘પ્રભુ’ના નામનો ઉદ્ગાર કે ઉદ્બોધન તો છે જ. આપણા દેશમાં હિંદુ ધર્મસંસ્કૃતિના મહાન ગ્રંથ વેદથી આરંભીને શ્રીમદ્ ભગવદ્ગીતા સુધીના ગ્રંથોમાં શબ્દઉપાસના – જપસાધના વગેરેનો સ્પષ્ટ ઉલ્લેખ તથા મહિમા પણ છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં જપયજ્ઞને શ્રીભગવાનની વિભૂતિરૂપે ઓળખાવાયો છે. આપણી સંત- પરંપરામાં પ્રભુસ્મરણે બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આમ, નામસ્મરણ તો આપણા આધ્યાત્મિક વારસામાંથી મળેલું ઘણું મહત્ત્વનું સાધન છે. આધ્યાત્મિક સાધનાનું એક અંગ છે. ભગવાનનું નામ રટવાથી-જપવાથી-લલકારવાથી કે એની ધૂન કરવાથી મનહૃદયને શાંતિ પ્રાપ્ત થાય છે. સંસારી જીવો પણ નામસ્મરણનો ઉપયોગ કરી શકે છે. એવું એ સરળ સાધન છે, પરંતુ આવું નામસ્મરણ જીવનમાં શાંતિ, પ્રસન્નતા, ઉત્સાહ, ઉમંગ કેવી રીતે પ્રેરે છે એની બુદ્ધિપ્રમાણ સમજૂતી આપણને ભાગ્યે જ જોવા મળી છે. એમ કહેવાયું છે ખરું કે નામસ્મરણમાં શ્રદ્ધા રાખી સ્મરણ કર્યા કરવું, પણ એમ કહેવામાં ‘શ્રદ્ધા’ એટલે શું એ સ્પષ્ટ કરવું પડે. આપણા જમાનામાં પૂજ્ય શ્રીમોટાએ નામસ્મરણની સાધનાથી નવજીવનમાં પ્રવેશ કરેલો. (૧૯૨૨) અને એ જ ૫સાધનના ઉત્તરોત્તર વિવિધ રીતના અભ્યાસથી પરમ પદને પામેલા (૧૯૩૯).
૧૯૨૨માં નર્મદાકિનારે શ્રીરણછોડજીના મંદિરમાં મળેલા એક સાધુએ ‘હરિઃૐ’નું રટણ કરવાથી ફેફરું મટી જશે એમ સૂચવેલું, પણ એ સમયના ચોવીસ વર્ષના યુવાનના મનમાં પ્રશ્ન જાગેલો કે નામસ્મરણ-જપ કરવાથી કંઈ રોગ મટે ? એમની બુદ્ધિ આ હકીકત સ્વીકારતી ન હતી. આથી, શ્રદ્ધા પણ બેસતી ન હતી, પરંતુ મહાત્મા ગાંધી તથા એમનાં આધ્યાત્મિક માના વચન ઉપર વિશ્વાસ રાખીને નામસ્મરણનો પ્રયોગ કર્યો. આ પ્રયોગના પરિણામથી પૂજ્ય શ્રીમોટાએ કહ્યું કે શ્રદ્ધાથી નામસ્મરણ થવું જોઈએ એ વાત ભલે સાચી હોય, પરંતુ નામસ્મરણના પ્રયોગમાંથી શ્રદ્ધા ઊગે છે, તે હકીકત મહત્ત્વની છે. ચાર કલાક સુધી સતત નામસ્મરણ કરવાથી ફેફરુંનો રોગ મટ્યો ખરો પણ એ ઉપરાંત, જે આંતરિક શક્તિઓ પ્રગટી એથી એ સાધનને તેઓ વળગ્યા અને અખંડ સ્મરણથી જીવનના પરમ આદર્શને પામવાનો-એટલે કે પ્રભુપદ પામવાનો-સ્વરૂપનો સાક્ષાત્કાર પામવાનો ધ્યેય ઊગ્યો.
નામસ્મરણના પ્રથમ પ્રયોગના અનુભવ પછી મન, મતિ, પ્રાણ, અહમ્ વગેરે કરણોના ગુણધર્મો અંતરાયરૂપ પણ બનતા. અંતઃકરણોને સ્મરણભાવમાં વાળવા માટે એમણે પ્રાર્થનાઓ કરી. ‘મનને’ સંબોધીને (૧૯૨૩) એમણે જે પંક્તિઓ ગાઈ છે, એમાંની થોડીક પંક્તિઓ અત્રે ઉતારવાથી સમજાશે કે પૂજ્ય શ્રીમોટાએ મનને માટે કેવી મથામણ કરી છે
૬મનને
પ્રતાપેથી શું નામના તું અજાણ્યું ?
કહેવાનું બાકી રહ્યું કૈં તને શું ?
રટ્યા તેં કર્યું તે ગયું કાં નકામું ?
તને ભાન પૂરું હજી કાં ન આવ્યું ? ૯૭
ગણાવું તને નામના શા પ્રતાપ ?
બતાવું શું એની હું શક્તિનું માપ ?
જણાયું તને કૈંક ચંચુપ્રવેશે-
-ધડો લૈ થકી તે, વધ્યું જા સદાયે. ૯૮
હૃદે આદરે પ્રેમથી નામ લેવું.
પ્રભુના રસેથી રસી ચિત્ત લેવું,
બધી વિકૃતિને પૂરી બાળી નાખી,
મથીને મથીને વિશુદ્ધિ વધારો. ૯૫
હરિનામને ચિત્તમાં તું મઢી લૈ-
હૃદે શ્રેય ને પ્રેય બે સાધી લેને,
હંમેશાં પ્રભુઆશ્રયે લીન રેને,
સ્મર્યા વિણ તું ના ઘડી એક ખોજે. ૧૦૩
હૃદે નામના જાપની પ્રેમમાળા-
વહાવો પદે તે સદા ગંગધારા,
શમાવી પૂરાં બુદ્ધિ ને ચિત્તભાવ,
તહીં હોમજો પ્રાણની વૃત્તિ સર્વ. ૧૦૭
સ્મરંતાં સ્મરંતાં થવું એક ધ્યાન,
સ્મરંતાં સ્મરંતાં થવું એક મ્યાન,
સ્મરંતાં સ્મરંતાં થવું હેળમેળ,
સ્મરંતાં સ્મરંતાં થવું એકમેળ. ૧૦૫
પૂજ્ય શ્રીમોટા એ વખતે હરિજન સેવક સંઘમાં સેવાનું કાર્ય કરતા હતા. કામ કરતાં કરતાં નામસ્મરણ ચાલુ જ રાખતા. એ નામ પ્રેમથી દેવાય એ માટે તો જે તલસાટ જાગવો જોઈએ એ અંગેની હકીકત તેઓશ્રીએ ૧૯૨૪માં કરેલી અનેક પ્રાર્થનાઓમાંની એક પ્રાર્થનામાં કેવી વ્યક્ત થઈ છે એનું આ દૃષ્ટાંત છે.
ઊંડું ર્હેતું થતું ઉરે સ્મરણ ને નિત્યે પ્રભુભાવથી,
સેવાકાર્ય બન્યા કરે મુજ થકી હંમેશ કૈં પ્રેમથી,
ભાવોથી છલકાતું ર્હે ઉર ભર્યું મારું સદા, હે પ્રભુ !
શ્રદ્ધાભક્તિ રહે વળી તુજ પરે, એવી કૃપા દે પ્રભુ.
લોભીને ધન વ્હાલું છે જ્યમ, વળી છે કામીને કામના,
તેવું હું તવ નામ વ્હાલું કરવા હૈયે ધરું ભાવના,
ર્હેવાયે પળ એક ના તુજ વિના, તું અગ્નિ એવો, પ્રભુ !
હૈયામાં પ્રગટાવજે વિરહનો, છોને ભલે ના જીવું.
છોને પ્રાણ જતા રહે પ્રભુ, અને છો મૃત્યુ આવે કદી,
ને છોને દુઃખ-ડુંગરો ન પરવા માથે પડે તેતણી;
કેમેય વીસરાય ના પણ જરીયે નામ તારું પ્રભુ !
તારી પાસ જ એટલું ગરીબ હું માગી રહ્યો છું, પ્રભુ !
‘જીવન દર્શન,’ ૧૧મી આ., પૃ. ૭
પ્રભુમિલનની તમન્ના, લગની તો લાગી હતી, પણ આ પ્રાર્થનામાં પોતાના જીવનધ્યેયને ફળાવવા માટે મરણિયો નિરધાર વર્તાય છે. એમાં ખમીર પણ છે. ઉપરની પ્રાર્થનામાં કર્મ, ભક્તિ છે, છતાંય હૃદયનો તલસાટ એમાં વિશેષ છે. ૮આ ઉપરથી સમજાય છે કે નામસ્મરણ મન અને હૃદયમાં પ્રતિષ્ઠિત થાય તો જીવનવિકાસની સાધનામાં ગતિ આવે. પૂજ્ય શ્રીમોટાએ નામસ્મરણને પ્રયોગાત્મક રીતે સ્વીકારીને એને એટલું બધું અને એટલી બધી રીતે ઘૂંટ્યું છે એનો ઇતિહાસ ન્યારો છે. એમાં વિશેષતા એ છે કે તેઓશ્રીએ પોતાના અનુભવના પ્રત્યેક તબક્કાઓને બુદ્ધિગ્રાહ્ય કર્યા છે. નામસ્મરણથી પોતે જે શિખરે પહોંચ્યા ત્યાં સુધીના બધા જ તબક્કાઓનું સ્પષ્ટ પૃથક્કરણ તેઓશ્રીના પત્રોના ગ્રંથોમાં તથા બીજા સંખ્યાબંધ પદ્ય ગ્રંથોમાં છે. પ્રભુનું નામસ્મરણ એટલે શું ? પ્રભુ એટલે શું ? પ્રભુનું ધામ ક્યાં ? એનું રૂપ કેવું ? એવા પ્રશ્નો કોઈ પણ જીવાત્માને થાય એ સ્વાભાવિક છે. પૂજ્ય શ્રીમોટાએ જીવનસાધનાના આરંભમાં જ આ પ્રશ્નોની પ્રથમ બૌદ્ધિક સ્પષ્ટતા કરી. ‘તુજ ચરણે’ની સ્તુતિમાં, એમણે ભગવાન કેવો હોઈ શકે ? અને કેવાં કેવાં રૂપે એને અનેક સંતભક્તોએ અનુભવ્યો અને ઓળખ્યો છે ? તથા અખિલ બ્રહ્માંડમાં એ કેવા તત્ત્વરૂપે રહીને વિલસી રહ્યો છે એનો ભાવનાત્મક તેમ જ બુદ્ધિગ્રાહ્ય આલેખ જોવા મળે છે. આ ઉપરથી આપણને સમજાય છે કે પ્રભુપંથે પળવાને તેઓશ્રીએ પૂરેપૂરું ઝંપલાવ્યું ત્યારે ઘણી બુદ્ધિગ્રાહ્ય સ્પષ્ટતાઓ પોતે કરી લીધી હતી. નામસ્મરણ એ સરળ, સહજ અને કોઈ પણ વ્યક્તિ ઉપયોગમાં લઈ શકે એવું સૂક્ષ્મ સાધન છે.
ભગવાનના નામનો જપ કરવાથી શાંતિ, હળવાશ કેવી રીતે મળી શકે એનું પૂજ્ય શ્રીમોટાએ કરેલું નિરૂપણ ‘સ્મરણવિજ્ઞાન’ સમું બન્યું છે. આ ૯ઘટના આપણા દેશના આધ્યાત્મિક વારસામાં વિરલ છે, કેમ કે નામસ્મરણનો મહિમા તો અપરંપાર છે. અનેક સંતભક્તોએ ગાયો છે, પરંતુ એની બુદ્ધિગ્રાહ્ય અને તર્કબદ્ધ સમજૂતી આપણને પહેલી જ વાર પૂજ્ય શ્રીમોટા પાસેથી મળે છે. પ્રભુના નામસ્મરણથી શરીરના રોગ કેવી રીતે મટે છે તથા કામક્રોધાદિ કેવી રીતે શમે છે એની સમજૂતી પૂજ્ય શ્રીમોટાએ મહાત્મા ગાંધીને જણાવેલી. આથી, ગાંધીજી પ્રસન્ન થયેલા અને જવાબમાં જણાવેલું કે ‘આ સમજૂતી ઉપરથી મને લાગે છે કે તું આધ્યાત્મિક વિજ્ઞાનનો મોટો વિજ્ઞાની થઈશ.’ (આ હકીકત પૂજ્ય શ્રીમોટાએ શ્રી રમણભાઈ અમીન સાથે કરેલા સત્સંગમાં જણાવી છે.)
ૐ ૨ર્ં સંજ્ઞાથી પાણી અભિપ્રેત છે, પણ એમાં બે પ્રકારના વાયુનું ચોક્કસ પ્રમાણ ભેગું થયું છે. આથી, પાણી થયું છે, એમ અનેક પ્રયોગો પછી સિદ્ધ થયું છે. એ જ રીતે પૂજ્ય શ્રીમોટા નામસ્મરણના અનેક પ્રકારના પ્રયોગો પછીથી જીવન-સિદ્ધિ પામ્યા. મતલબ કે પ્રયોગ સિદ્ધ થયો પછી આધ્યાત્મિક વિદ્યાનું રહસ્ય તેઓશ્રીએ ખુલ્લું કર્યું અને કોઈ પણ બુદ્ધિશાળી એને સ્વીકારી શકે એ રીતે તેઓશ્રીએ રજૂ કર્યું. આથી, નામસ્મરણ એક વૈજ્ઞાનિક હકીકતરૂપે વ્યક્ત થઈ શક્યું. આખું બ્રહ્માંડ પાંચ તત્ત્વોથી સભર છે, પણ માત્ર પૃથ્વી જ એવો ગ્રહ છે કે જ્યાં પાંચેય તત્ત્વો સાથે છે. એ પાંચેય તત્ત્વો એની તન્માત્રાઓ અને ત્રણ ગુણો સાથેના એના સંબંધને સમજાવીને નામસ્મરણથી આકાશતત્ત્વ કેવી રીતે મોખરે આવે છે અને સત્ત્વગુણનો ઉદય થતાં રજસ તમસના ગુણધર્મો કેવી રીતે ગૌણત્વ પામે છે એની સમજૂતી આપણી મતિને અત્યંત ૧૦પ્રકાશિત કરે છે. શબ્દનું મૂળ અને શબ્દના પ્રકાર, એની ગતિ વગેરેના નિરૂપણથી શબ્દશક્તિનો આહ્લાદક પરિચય થાય છે.
પૂજ્ય શ્રીમોટાએ ‘ૐ’ શબ્દનું મહત્ત્વ સમજાવ્યું છે. એમાં તાત્ત્વિક દૃષ્ટિ ઉપરાંત, બુદ્ધિગ્રાહ્ય અભિગમ પણ છે. ‘ૐ’ના બાહ્યાકારની પોતે સ્વીકારેલી ભાવના પણ જાણવા જેવી છે. ‘ૐ’માં દેખાતો ‘૩’ અંક-જે તે બધું ત્રણથી ઊપજ્યું છે અને ત્રણથી જ ટકે છે અને એમાં લીન થઈ જાય છે એ સૂચવે છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, સત્ત્વ, રજસ અને તમસ એમાંથી આ વિશ્વ સ્ફુર્યું છે એ ‘૩’ સાથે જોડાયેલ વળાંકવાળી લીટી દ્વારા સૂચવાયું છે. જગત અને જગતના સર્વ પદાર્થો અને ભાવોથી પર ઈશ્વરભાવ અર્ધ ચંદ્રાકારના ચિહ્નથી સૂચવાય છે. આથીયે પર બિંદુરૂપે રહેલ પરબ્રહ્મનું પ્રતીક સૂચવાયું છે. આ બાબત તેઓશ્રીએ એક જાહેર સત્સંગમાં જણાવી હતી. ૐના ઉચ્ચારણથી ક્યાં ક્યાં સ્પર્શ થાય છે અને એનાં આંદોલનો કેવાં પરિણામ નિપજાવે છે એનું નિરૂપણ પણ સ્પષ્ટ છે. જપનો કોઈ પણ શબ્દ ભલે હોય પણ ૐથી માધુર્ય ઉમેરાય છે એ હકીકત નોંધપાત્ર છે. એ તો પ્રયોગ કરનારને અનુભવાય એવી હકીકત છે.
જપ માટેના શબ્દની પસંદગી કરવા પાછળનું વિવરણ પણ આપણે સૌ સ્વીકારી શકીએ એવું સરળ વ્યવહારુ છે. જપ કેવી રીતે કરવો, કેવા ભાવથી કરવો, એ વખતે કેવી રીતે હેતુનું ધ્યાન રાખવું વગેરે બાબતો દ્વારા નામસ્મરણની પદ્ધતિઓ તેઓશ્રીએ દર્શાવી છે. એમાં વિજ્ઞાનની પૃથક્કરણાત્મક પદ્ધતિનો આપણને પરિચય થાય છે. નામસ્મરણ ભાવ સાથે ૧૧થવું જોઈએ. દિલથી થવું જોઈએ. પ્રેમથી થવું જોઈએ. પોતાને એ રીતે સ્મરણ કરતાં જે રીતે મથવું પડેલું એનું સચોટ બયાન તેઓશ્રીએ આ ગઝલમાં કર્યું છે.
સ્મરણ શું કોરું કોરું તે શરૂ શરૂમાં થયેલું છે,
પરંતુ જેમ અભ્યાસ થતાંમાં તો વધેલું છે.
વધારે ને વધારે મેં સમય સ્મરણે જ ગાળીને,
સ્મરણમાં ભાવ પ્રેરાવા મથામણ ખૂબ કરેલી છે.
સતત મંડ્યા રહેવાતાં પ્રયત્ને એકધારાએ,
થયા કરતાં હૃદય કેવો સ્મરણમાં રસ પડેલો છે !
પ્રયત્ને રસ પડ્યો છે જ્યાં, પ્રયત્નો તે થવા વિશે,
હૃદય શું ઊછળેલું છે ! પ્રયત્નો તે ફળેલા છે.
‘જીવન સ્મરણ’ પૃ. ૮
આરંભમાં કોરું કોરું સ્મરણ થાય એનો અભ્યાસ-પ્રૅકિટસ- ન મૂકી દેવો. વધુ ને વધુ સમય નામસ્મરણમાં ગાળીને સ્મરણ કરવા ભાવ પ્રેરાય એટલા માટે મથવું જોઈએ. એવા એકધારા સતત પ્રયત્નથી હૃદયમાં નામસ્મરણનો રસ નિષ્પન્ન થાય છે. જ્યારે પ્રયત્નોથી રસ નિષ્પન્ન થયો છે એવું જાણ્યા પછી પ્રયત્નો કર્યા કરવામાં હૃદયનો ઉમળકાભર્યો ઉછાળો રહ્યા કરે છે. આ આઠ પંક્તિમાં પૂજ્ય શ્રીમોટાએ સ્મરણને રસીલું બનાવવાની પ્રક્રિયા સૂચવી છે. એ સાથે ભારે જહેમત-પ્રયત્નનું ગૌરવ પણ કર્યું છે.
પ્રભુનું નામસ્મરણ અંતઃકરણોને કેવાં કેળવે છે એ ‘નામસ્મરણસાધના’વાળા પ્રકરણમાં વિગતે રજૂ થયું છે. નામસ્મરણ સાથે પ્રાર્થનાભાવ રાખ્યા કરવાનું તેઓશ્રી સૂચવે ૧૨છે, કેમ કે પ્રાર્થનાથી હૈયામાં ભાવ જાગે છે અને એ ભાવને નામસ્મરણ સાથે જોડવાથી એ સ્મરણભાવ હૃદયમાં ઊંડો ઊતરે છે. શબ્દ જ માત્ર નહિ પણ શબ્દની ભીતર રહેલો ભાવ હૈયામાં પરોવ્યા કરવાનો છે.
કર્મ કરતાં કરતાં સ્મરણથી જે ધૂન જાગે છે, એક પ્રકારનો લય જાગતો હોય છે એને જાગૃતિથી હૈયામાં વાળ્યા કરવાનો છે. નામસ્મરણથી સાધના એ અસાવધ રીતે કરવાની સાધના નથી. આ હકીકતનું નિદર્શન તેઓશ્રીએ નીચેની ગઝલની પંક્તિઓમાં કરાવ્યું છે.
‘હરિઃૐ’ ભાવની ધૂન કરતાં કર્મમાં જ્યાં ત્યાં,
પરોવ્યા તે કરી હૈયે રહેજો જાગતાં જ્યાં ત્યાં.
સ્મરણ પ્રભુભાવનું ઊંડું કર્યા કરજો સ્તવી સ્તવીને,
પ્રભુ ચેતાવવા હૃદયે બધું તે તે જરૂરી છે.
પૃ. ૧૫૨
• • •
સ્મરણ વિના પ્રભુના તે કશું ના કર્મ બનવા દો,
સ્તવંતા અંતરે રહીને પ્રભુને, સર્વ બનવા દો.
પૃ. ૧૪૨
• • •
પ્રભુના નામની ધૂન જગાડીને લગાડીને,
મતિ, મન, ચિત્ત, અહં, પ્રાણ કરો જોડ્યા ચરણમાં તે.
પૃ. ૧૨૦
‘પ્રણામ પ્રલાપ’, પ્રથમ આ., ૧
આપણાં અંતઃકરણો-મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને અહમ્- નામસ્મરણથી કેવાં કેવાં રૂપે પ્રગટે છે, એનાં કેવાં લક્ષણો વર્તાય છે અને એની શક્તિને નામસ્મરણથી કેવી રીતે ૧૩પ્રભુશરણે વાળી લેવાય-એ બધી પદ્ધતિઓ પૂજ્ય શ્રીમોટાએ દર્શાવી છે. પૂજ્ય શ્રીમોટાએ નામસ્મરણ અંગે એક ખૂબ મહત્ત્વની બાબત કહી છે. નામસ્મરણ એકધારું, સતત લેવાયા જાય અને એમ કરતાં નિરંતર થાય એ પછી જ શુદ્ધિ અનુભવાય છે. આથી, જ્યાં સુધી નામસ્મરણને નિરંતર-અખંડ ન બનાવાય ત્યાં સુધી સ્મરણસાધનાનો પૂરો લાભ પામી શકાતો નથી. નામસ્મરણ મનહૃદયમાં સાથી બનીને નિરંતર રહે એ માટે પૂજ્ય શ્રીમોટાએ એક પ્રાર્થના રચી છે. જે જીવોનું એ દિશામાં મોં ફર્યું છે, પણ ગતિ વિધિ નથી એમને માટે એ દિશામાં જવા દોરવણી મળે એવી આ પ્રાર્થના છે. આપણા દૈનિક વહેવારની તથા આપણાં અંતઃકરણોનાં વલણોની પૂરી સ્પષ્ટતા આ પ્રાર્થનામાં છે. એવી બધી જ પળે નામસ્મરણ રહ્યા કરે એવી ભાવના રોજે રોજ દૃઢાવવી જોઈએ.
સ્મરણભાવના
(હરિગીત)
પ્રિય નામને ઉરમાં સ્મર્યા કરશું અમે બહુ પ્રેમથી,
પ્રિય નામને ઉરમાં સ્મર્યા કરશું અમે બહુ રીતથી.
પ્રિય નામને ઉરમાં સ્મર્યા કરશું અમે બહુ ખંતથી,
તુજ નામનો પ્રભુ તંત જરી ના છોડશું હરગિજ કદી.
જીવનતણા અતિશય કઠણ દારુણ ઝંઝાવાતમાં,
કે સહુ દિશે સૂઝે નહિ એવા જીવન અંધારમાં,
જીવનતણી ચઢતી અને પડતીમહીં પળપળ સદા,
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મનહૃદયમાં.
૧૪સંસારનાં કર્તવ્યમાં, વ્યવહારીઓની સાથમાં,
સહુ કામમાં, ખાતાં, પીતાં, ઊઠતાં અને વળી બોલતાં,
જે જે કંઈ કરતાં, બધાંની સાથ વર્તતાં સદા,
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મનહૃદયમાં.
મુશ્કેલીમાં નડતી અમોને ને ઉપાધિમાં જગે,
ઝઘડા અને કંકાસમાં, દિલમાં થતા સહુ દર્દમાં,
દિલની અમૂંઝણમાં અને આવી પડેલી ગૂંચમાં,
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મનહૃદયમાં.
મનના વિચારોમાં અને મનની બધીયે વૃત્તિમાં,
મન વાસનામાં, પાપમાં, ચિત્તના બધા સંસ્કારમાં,
મનની રમત ને ગમતમાં મનના રમણ ને વલણમાં,
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મનહૃદયમાં.
અમ શરીરથી બનતી ક્રિયામાં, ઇંદ્રિયોના વિષયમાં,
અમ શરીરકેરા રોમરોમે, હૃદયકેરા લોહીમાં,
રગરગમહીં નખશિખમહીં, ને શરીરના નવદ્વારમાં,
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મનહૃદયમાં.
ખટરસતણા સહુ સ્વાદમાં, મીઠી મીઠી બધી વાસમાં,
ઉર ચેતનામાં, બુદ્ધિમાં, ચિત પ્રેરણામહીં, પ્રાણમાં,
અમ લાગણીમાં, ભાવનામાં, પ્રેમમાં, રસમાં બધા,
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મનહૃદયમાં.
આધાર સૌ નિજનો સદા માની ઉપર જે ધારતું,
માને અતિશય વ્હાલથી જ્યમ બાલુડું પોકારતું,
૧૫વિખૂટું પડેલું માડીથી હરપળ કરે શું આરડ્યાં !
તેવી રીતે તુજ નામ પ્રભુ ! તારું સ્મરાજો તાનમાં.
જીવનતણા સહુ ભંગમાં, જીવનતણા સહુ રંગમાં,
જીવનતણા એ અટપટા આડા ઊભા સહુ તારમાં,
મારી ગમે તેવી ભલે હો સર્વ જીવનભાતમાં,
રસીલું વણાયા ત્યાં કરો પ્રિય નામ તારું ભાવમાં.
સંબંધીઓ ને સ્વજનની સહુ વાતમાં ને ચીતમાં,
સંસારના વ્યવહારમાં ને જે થતા સહુ કાર્યમાં,
પત્ની અને પરિવારમાં છોને પરોવાયેલ હો,
તે તે દશામાંહે પ્રભો ! તુજ નામ પ્રિય હૈયે વસો.
પ્રિય નામ-સૂર્ય ઊગ્યા થકી ફીટે જીવનઅંધાર સૌ,
એવું કૃપાથી જીવનમાં અમને ફૂલવજો ફળવજો,
ચાનક અમોને લાગજો તુજ દિવ્ય જે પ્રિય નામની,
પ્રગટી રહો અમ જીવન તે છાયારૂપે તુજ પ્રેમની.
સારાય જીવનપટતણા તાણા અને વાણા વિશે,
ભીંજાયેલા હો રગરગે તુજ પ્રેમથી રંગાયેલા,
તુજ નામના પ્રિય સ્મરણના ઠોકે સદા ઠોકાયેલા,
એવું પ્રભુપદ હો સમર્પિત આ જીવન હો, તુજ કૃપા.
તુજ નામનો મહિમા ઋષિઓ કૈંક ભક્ત કવિ કથે,
હું તો બિચારું રાંકડું તે શું કથી કથીને કથે ?
જ્યમ સૂર્ય આગળ આગિયો, દરિયા કને ખાબોચિયું,
હીરા કને જ્યમ કાચ એવો સાવ હું નાદાન છું.
‘શ્રીગંગાચરણે’ પૃ. ૨૯ થી ૩૨