Categories
Book Gujarati books

શ્રીમોટા સાથે વાર્તાલાપ (Shree Mota Sathe Vartalap)

પ્રશ્ન : ઘણા એમ કહેતા હોય છે , કે ઘડપણમાં ગોવિંદ ગાઈશું’ . આ શક્ય છે ?

ઉત્તર : ઘડપણમાં મોટે ભાગે કોઈ ગોવિંદના ના ગુણ ગાઈ શકવાનું નથી . જીવનની સાધના એટલી સહેલી નથી . સાધનામાં જોઈતાં સાહસ , હિંમત , પુરુષાર્થનું બળ , ઉત્સાહ , ખંત , ધીરજ વગેરે ગુણો જુવાનીમાં જ વધુ ખીલેલા રહે છે . તે વેળાએ સાધનામાં જો ખૂંપી જવાનું બન્યું તો ઉત્તરોત્તર વિકાસ થયા કરવાનો . ત્યારે એવા માનવીને ઘડપણ હોવા છતાં ઘડપણ નહિ હોય . જુવાની એ તાજું ફૂલ છે . શ્રીભગવાનને ચરણે તાજાં ફૂલો ચડાવવાનાં હોય .

શ્રીમોટા

‘શ્રીમોટા સાથે વાર્તાલાપ’ , આઠમી આ.; પૃ . ૧૪૬

 

Categories
Book Gujarati books

સ્વાર્થ (Swarth)

લેખકના બે બોલ

અમદાવાદમાં ગુલબાઈના ટેકરે શ્રી પ્રમુખલાલભાઈને ત્યાં રોટલા જમવાનું આમંત્રણ હતું . ત્યાં બધા ભાઈઓ મળ્યા હતા . જિજ્ઞાસા’ , ‘શ્રદ્ધા’ , ‘ભાવ’ , ‘નિમિત્ત’ , ‘રાગદ્વેષ’ , ‘કૃપા’ , ‘કર્મઉપાસના’, ‘શ્રીસદ્દગુરુ’ એ વિષય ઉપર જુદા જુદા સદ્ભાવીએ મને લખવાનું સૂચવ્યું . તેઓએ માત્ર લખવાનું સૂચવ્યું એટલું જ નહિ , પરંતુ તેનો પ્રકાશનખર્ચ પોતે માથે લઈ લેવાનું પ્રેમથી સ્વીકાર્યું અને તે છપાયેલાં પુસ્તકો વેચી આપવાનું પણ કબૂલ્યું . તેથી , श्रीहरि – કૃપાથી પરમાર્થમાં મદદ મળ્યાં કરી . વાતવાતમાં શ્રી પ્રમુખલાલભાઈએ મને સ્વાર્થ’ ઉપર લખવા સૂચવ્યું અને પોતે તેનો ખર્ચ આપશે અને તે વેચી પણ આપશે એમ જણાવ્યું . આ સાંભળી એમ પ્રત્યાઘાત થયો કેસ્વાર્થ’ વિશે શું લખવું ? એ તો ઉઘાડો જ છે , અને સ્વાર્થને તો બધાં જ ઓળખે છે . એ વિશે ઊંડું શું લખાય ? ’ વળી પાછું એમ થયું કે ‘ નાનામાં નાનું ભલેને અર્થ કે રહસ્ય વિનાનું હોય , છતાં તે વિશે શાસ્ત્ર કે વિજ્ઞાન જેવું લખાય ત્યારે જ ઉત્તમ .’ આવો વિચાર ઉદ્ભવ્યો અને श्रीहरि થી પ્રેરણા થઈ . એવામાં શરીરની – પેટની ભયંકર વેદના પ્રગટી અને દવાખાનામાં શરીરને દાખલ થવું પડ્યું . તે ગાળામાં સ્વાર્થ’ અંગે માત્ર થોડુંક જ લખાયું હતું , તે પૂરું કરવામાં श्रीहरि થી દિલ લગાડવાનું થયું અને તે દવાખાનામાં જ પૂરું થયું .

સ્વાર્થ’ લખવા જેમણે મને પ્રેર્યો , તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું . સ્વાર્થ’ વિશે આવડ્યું તેવું ગાયું છે . એમાં જે દોષ હોય તે મારો છે . જે કંઈ સારું હોય તે श्रीहरिનું છે . સજ્જનો ફોતરાં ફોતરાં ફેંકી દઈ , કુશકા કાઢી નાખી ઉત્તમ ગ્રહવા કરવા જેવું લાગે તે ગ્રહણ કરશે એવી વિનંતી – પ્રાર્થના છે .

મોટા

  સ્થળ:- પી.ટી. જનરલ હોસ્પિટલ ,  
              બાલાજી રોડ , સુરત , તા . ૧૯-૨-૧૯૭૩

Categories
Book Gujarati books

શ્રીમોટા સાથે હિમાલય યાત્રા (Shree Mota Sathe Himalay Yatra)

પૂજ્ય શ્રીમોટાએ ઘણીવાર હિમાલયની યાત્રા કરેલી . પોતાના સાધનાકાળ દરમિયાન યાત્રા કરેલી એના અનુભવો પૂજ્ય શ્રીમોટાએ વિગતે કહ્યા નથી . છતાં ત્રણેક જેટલા અનુભવો આલેખ્યા છે , પરંતુ ૧૯૪૫ માં પૂજ્ય શ્રી નંદુભાઈનો પરિવાર પુજ્ય શ્રીમોટા સાથે યાત્રાએ ગયેલો ત્યારે પૂજ્ય શ્રીમોટાના અલૌકિક અનુભવો પૂજ્ય શ્રીમોટાએજીવનપોકાર માં આલેખેલા છે . અને એકત્ર કરીને પ્રગટ કરવાનું શ્રી રમેશભાઈ ભટ્ટે સૂચવ્યું અને એ કામ એમણે હાથ પર લીધું . આ હકીકત તદ્દન નવા જ રૂપે એમણે સંપાદિત કરી છે .

Categories
Book Gujarati books

શ્રીમોટા પત્રાવલી ૧-૨ (Shree Mota Patravali-1-2)

પૂજ્ય શ્રીમોટાની સહાય ( આમુખ )

પૂજ્ય શ્રીમોટાએ પોતાના એક સ્વજનને લખેલા પત્રોનો આ સંચય જીવનવિકાસની સાધનાને અત્યંત સરળતાથી અને વ્યવહારુ રીતે સ્પષ્ટ કરે છે . પૂજ્ય શ્રીમોટાએ સંસારજીવનમાં રહીને પ્રભુમય જીવનનો અનુભવ કેવી રીતે પમાય એની અનેક રીતો દર્શાવી છે . એમાં સૌ કોઈ પોતપોતાનાં પ્રકૃતિ – સ્વભાવને સમજીને જાગૃતિથી કોઈ પણ રીતનો પ્રયોગ કર્યા કરે તો એને સવિશેષ તો પૂજ્ય શ્રીમોટાની ચેતનાશક્તિની સહાય મળ્યાનો અનુભવ થાય છે . પોતાની સાથે ‘ કોક ’ છે એવો સતત અનુભવ થતાં આપણામાં એક અનોખી હિંમત અને ધીરજ પ્રગટતાં અનુભવીએ છીએ .

પૂજ્ય શ્રીમોટાએ પ્રભુને બધું જ કહ્યા કરવાની રીત દર્શાવી છે . નિવેદનનો આ પ્રકાર અત્યંત સરળ હોવા છતાં કાળજીપૂર્વક આચરવાનો હોય છે . પ્રભુને કરાતાં નિવેદનમાં નિખાલસતા અને નિષ્ઠા અનિવાર્ય છે . જો નિખાલસતા હોય તો પ્રભુપ્રેમનો સ્પર્શ અનુભવાય અને નિષ્ઠા હોય તો પ્રભુપ્રેમ સ્પર્શની શક્તિથી વ્યવહારમાં નિવેદન દ્વારા વ્યક્ત થયેલી ભાવના જાગૃત રહે , અને જે ભાવનાથી કર્મ આચરવાં જોઈએ એવી ભાવનાથી એ આચરાય . નિવેદનની આ બારીક રેખા પ્રત્યે પૂજ્ય શ્રીમોટાએ ખાસ ધ્યાન દોર્યું છે .

બીજું ખુલ્લું થવા વિશેની વાત છે . આપણાં અંતઃકરણોમાં એટલે કે મન , બુદ્ધિ અને પ્રાણમાં જે વલણો જાગે છે , એને પ્રભુ સમક્ષ ખુલ્લાં કરી દેવાં રહ્યાં . મનના વિચારો , બુદ્ધિની શંકાઓ અને પ્રાણની વૃત્તિઓ જેવી જાગે એવી ખુલ્લી રીતે વ્યક્ત કરીને પ્રભુને પ્રભુના ચરણે ધરવી . એટલું જ નહિ પણ દિવસ દરમિયાન જે કંઈ કાર્ય આપણાથી થાય , જેવી ભૂમિકાથી થાય એ પણ ખુલ્લું કહી દેવું . ખુલ્લા થવામાં આ બીજો ભાગ મહત્ત્વનો છે . ખુલ્લા થવાની આ ક્રિયા જે કોઈ કરવા ઇચ્છે , એ સરળતાથી કરી શકે છે . આ ક્રિયા દ્વારા એક સૂક્ષ્મ પરિણામ આવે છે . જેથી સમજી આપણે ખુલ્લા થઈએ છીએ . એની સાથે આપણો દિલનો સંબંધ વધુ ગાઢ બનતો જાય છે . પરિણામે એમની ચેતનાશક્તિ આપણા સમગ્ર આધારમાં કામ કરતી થાય છે .

પૂજ્ય શ્રીમોટાએ મૌનએકાંતમાં નામસ્મરણ આદિ સાધનોની સાથે આવી કેટલીક મહત્ત્વની વ્યવહારુ સાધના આ પત્રોમાં સમજાવી છે . આ એકડો ઘૂંટવાથી ધીમે ધીમે એવો વિકાસ થશે કે જે અનંત તરફ દોરી જઈને , અનંતતાનો અનુભવ કરાવશે .

આ પત્રોમાંની એક ખાસ લાક્ષણિકતા છે . એમાં પૂજ્ય શ્રીમોટાએ પોતાના ગૂઢ – રહસ્યમય રૂપની ઝાંખી આપી છે . એક સ્થળે પૂજ્ય શ્રીમોટાએ લખ્યું છે કે , પોતે તાબોટા પાડનાર વ્યંઢળ નથી . આવી અભિવ્યક્તિ કોઈ પણ નવા વાચકને આશ્ચર્યમાં ગરકાવ કરી દે . પરંતુ પૂજ્ય શ્રીમોટાના સમગ્ર લખાણોમાં આવાં વચનો યથાર્થ રીતે પ્રગટ થયેલાં છે . લૌકિક અર્થમાં વ્યંઢળ શબ્દ તુચ્છ નિર્માલ્યપણાનું સૂચન કરનારો છે . પરંતુ એનો આધ્યાત્મિક અર્થ પણ છે . ‘ શ્રી સદ્દગુરુ ‘માં પૂજ્ય શ્રીમોટાએ આવી નાન્યતર જાતિ વિશે વાત લખી છે . એ પરથી સમજાય છે કે અનુભવની પણ એવી કક્ષા હોય છે જ્યાં સ્રી – પુરુષનો લિંગભેદ પરખાતો નથી . આવી અવસ્થામાં અત્યંત શક્તિ – સામર્થ્ય પ્રગટ થતાં હોય છે . ‘ તાબોટા ‘ એટલે માત્ર ખાલી પડેલો મોટો અવાજ એમ સમજવાનું છે . મતલબ કે પૂજ્ય શ્રીમોટા જે કંઈ કહે છે કે લખાણ દ્વારા વ્યક્ત થાય છે , એમાં નક્કરતા છે . માત્ર કહેવા કે સમજાવવા પૂરતું જ નથી . પરંતુ એ મુજબ આચરનારને એમની શક્તિની અખૂટ સહાય મળ્યાં જ કરે છે . આથી પૂજ્ય શ્રીમોટાના શબ્દો વાંચનારે એમ સમજવાનું નથી કે આમાં માત્ર ઠાલો ઉપદેશ છે . ક્યારેક પૂજ્ય શ્રીમોટાની વાણીમાં ઉગ્રતા – કઠણાશ હોય , ત્યારે પણ એમાં ઘાટ ઘડવાનું જોશ – જોમ – શક્તિ હોય છે . આથી એમની વાતને અવગણવી એ યોગ્ય નથી .

પૂજ્ય શ્રીમોટાએ આ પત્રોમાં પોતામાં પ્રગટ થયેલા વિભુત્ત્વની ઝાંખી વારંવાર કરાવી છે . આ પત્રોના વાંચનથી પૂજ્ય શ્રીમોટા સાથે સંબંધમાં આવનાર સૌ કોઈ તેઓશ્રીનું નિકટનું સ્વજન બની રહે છે . આ પત્રોમાંનો ઘણો જ મોટો ભાગ પદ્યમાં છે . એમાં આવી ઝાંખી – ઝલક વિશેષ પ્રમાણમાં અનુભવાય છે . ઉપરાંત એ પદ્યકથનમાં જીવન વિશેનું ગહન તત્ત્વજ્ઞાન પણ રજૂ થયું છે . એનું મનન – ચિંતન પણ વાચકને પૂજ્ય શ્રીમોટાના આંતરિક સ્પર્શનો અનુભવ અવશ્ય કરાવશે . પત્રસંચયનાં પ્રકાશનથી અભિનંદનીય ઉપકારક કાર્ય સધાઈ રહ્યું છે.

રમેશભાઈ મ . ભટ્ટ

તા .૧૩-૯-૧૯૯૫

અમદાવાદ -૩૮૦૦૦૭ .

 

Categories
Book Gujarati books

પુનિત પ્રેમગાથા (Punit Prem-Gatha)

 

સંપાદકના બે બોલ

આ ચોપડીમાંનું લખાણ જુદી જુદી વ્યક્તિઓને લખાયેલું છે અને તે દરેક વ્યક્તિના જીવનના જુદા જુદા પ્રશ્ન અને જુદી જુદી ભૂમિકા અંગેનું છે . તેથી , તેમાં અનેકવાર એકના એક ભાવાર્થવાળું લખાણ પણ ક્યાંક ક્યાંક આવી જાય છે . દરેક પથ એક સ્વતંત્ર વ્યક્તિને હોઈને તે આપણા સમાજમાંથી અનેક વ્યક્તિઓના જીવનને લાગુ પડી શકે તેવું છે .

સમાજમાં પ્રચલિતપણે ‘ પ્રેમ’નો જે અર્થ થાય છે , તેના કરતાં ઘણીયે ઉચ્ચ ભૂમિકાને ઉદ્દેશતું અને તેને વિષય કરતું આ બધું લખાણ છે . ધણીય વ્યક્તિ પોતે અંતરથી સાચી રીતે માનતી હોય કે તે પોતે પ્રેમની સાચી ભાવનાથી જ અમુક અમુક પ્રસંગોમાં દોરવાયેલી છે , પરંતુ તે તેના સાચા મૂલ્યાંકનમાં પ્રેમ નથી હોતો પણ કોઈ ને કોઈ પ્રકારની આસક્તિ કે મોહની વૃત્તિ જ હોય છે , તે બધું સ્પષ્ટપણે આ લખાણમાં સમજાવવામાં આવ્યું છે . પ્રેમનાં ઉત્તમોત્તમ લક્ષણો કર્યા અને શાં હોવાં ઘટે તેનો પણ તેમાં નિર્દેશ છે . લખનાર , પ્રેમ એટલે ભગવાનનો ભાવ એમ આખરે તો સમાવવા માંગે છે .

પતિ – પત્ની સાથેનો સંબંધ , મિત્ર – મિત્ર વચ્ચેનો સંબંધ , કૌટુંબિક અનેક વ્યક્તિઓ સાથેનો સંબંધ , સમાજ સાથેનો સંબંધ તથા વ્યષ્ટિ અને સમષ્ટિ સાથેનો સંબંધ – એ બધા માનવી જીવનોના સંબંધોમાં પરાત્પર પ્રેમ સુક્ષ્મ , સળંગ અને સમગ્રપણે ભાગ ભજવી રહેલો છે , તેનું પણ ભાન લખનાર , વાચકને જરૂર ઉપાવે છે . છેક સામાન્ય માનવીના જીવનની મૂઢતા અને તેની અશાન દેશાને સ્પષ્ટ ચિત્રની જેમ આલેખીને તેને પોતાની દશા શી છે તેની સામે આંગળી ચીપીને તેને તે દશામાંથી જાગૃત કરવાને અને ચેતનાપૂર્ણ જીવનના ઉત્ક્રાંતિપ્રેરક ચેતના , ભાવ શક્તિના પ્રેમસ્વરૂપને જીવનના એક મહાન આદર્શ તરીકે , એટલું જ નહિ પણ જીવનને એ રીતે સમજવાને , ઘડવાને અને અનુભવવાને લખનાર , પ્રેમને એક મહામોંઘામૂલા સાધન તરીકે રજૂ કરે છે.

આમાં આધ્યાત્મિક જીવનના ઉત્કૃષ્ટ અનુભવોની ભલે છાંટ , છાપ કે અસર કોઈને ન જણાય , તેમ છતાં તેમાં જીવનને સમજવા માગનાર અને જીવન પરત્વે જેની સાધનાની દૃષ્ટિ છે , એવાને ‘ એક ડગલું બસ થાય ‘ એટલું પોષણતત્ત્વ તો જરૂર મળી રહેશે એમ ખાતરીપૂર્વક લખવાનું મન થાય છે .

લખનાર , જુદી જુદી વ્યક્તિઓના સંબંધમાં આવેલા હોવાથી તેમને તેમની જીવનની ઘરેડમાંથી ઊંચે લાવવાને , કેટકેટલી તાલાવેલી થાય છે અને તેમને તેમના જીવનના તેવા તેવા વલણ કે વર્તનથી કેટકેટલું દુઃખ થાય છે એનું સંવેદન પણ આ લખાણમાં વાંચનારને અસર કર્યાં વિના રહેશે નહિ .

આ બધું લખાણ કોઈ ને કોઈ વ્યક્તિના તેમના પર આવેલા કાગળના પ્રતિ – ઉત્તરરૂપે લખાયેલું છે અને તે લખાણ એક રીતે તે તે વ્યક્તિના જીવન અંગે લખાયેલું હોવાથી ખાનગી ગણી શકાય , પરંતુ ‘ સ્વાનુભવમાં સર્વાનુભવ ‘ સમાતો હોવાથી તેને જનતા – જનાર્દનને ચરણે મૂકવાનું યોગ્ય ધાર્યું છે . તે તે વ્યક્તિઓ બધાં એક સ્વજન જેવાં છે એટલે તેમની આ કાગળો છપાવવાની પરવાનગી લીધી નથી , પરંતુ આ લખાણના છપાવવા સાથે તે બધાંની હૃદયની સંમતિ છે એમ માની લેવામાં આવ્યું છે અને આશા છે કે તે સર્વના તેમાં આશીર્વાદ છે જ .

આ ચોપડીના પ્રસ્તાવનાલેખક શ્રી ગુરુદયાલ મલ્લિકજી વિશે બે બોલ લખું તો તે અયોગ્ય નહિ ગણાય . તેઓ સરહદ પ્રાંતના છે અને ગુજરાતી લખાણ ઉપર તેઓ આવું પ્રસ્તાવનારૂપે લખે એટલે તો તેમના વિશે તે બાબતમાં સ્ફોટ કરવાનું ઉચિત જ છે . તેઓ સદ્દગત કવિવર ટાગોરના લગભગ ૨૦ વર્ષના સાથી છે અને તેઓશ્રીના ભક્ત છે . શાંતિનિકેતનના વિશ્વભારતીના તેઓ અંગ્રેજી વિષયના ઘણાં વર્ષો સુધી અધ્યાપક હતા . એક વખતના ખ્રિસ્ત સેવાસંધના પાદરી સભ્ય પણ હાલમાં ગોંડ જાતિને હૃદયથી અપનાવી તેની સેવા કરનાર તથા પૂજ્ય ગાંધીજીના નિકટ સમાગમમાં આવેલા શ્રી વેરિયર એલ્વિને , એક સ્પેનિશ અંગ્રેજ ભક્ત ‘ રિચર્ડ રોલબલ ‘ નું જીવનચરિત્ર લખ્યું છે . તે એમણે શ્રી ગુરુદયાલજીને સમર્પણ કરેલું છે . હિંદુસ્તાનના અંગ્રેજી ઉત્કૃષ્ટ માસિકોમાં તેમનાં આધ્યાત્મિક લખાણો વિશે જેમણે વાંચ્યું હશે , તેઓ તેમના નામથી જાણીતા હશે . તેઓ ગુજરાતી ભાષા વાંચીને સમજી શકે છે અને સાધારણ બોલી પણ શકે છે . લખનારે આ લખાણ તેમની સાથે બેસીને વાંચ્યું છે , સાધારણ ગુજરાતી સમજનાર એવા એમને આ બધું લખાણ સરળપણે સમજાયું છે , એટલે ગુજરાતી આમ જનતાને આ સમજાવવાને વિશેષ શ્રમ લેવો નહિ પડે એટલી સરળતા આ લખાણમાં છે .

આ ચોપડીનો આમુખ એક બહેને લખ્યો છે . ગુજરાતમાં સદ્દગત અબ્બાસ તૈયબજી સાહેબનું નામ સર્વ કોઈ જાણતું હશે જ . તેમનાં દીકરી શ્રીમતી રેહાનાબહેન તૈયબજી . અને તેમનું નામ પણ તેટલું જ જાણીતું છે . અને તે કરતાંયે તેમના હૃદયનો શ્રીકૃષ્ણ પરત્વેનો શુદ્ધ હૃદયનો ભક્તિભાવ એ તો એનાથીયે વિશેષ જાણીતો છે . તેમનાં ભજનો સાંભળવાં એટલે ભક્તિના ભાવમાં તરબોળ થઈ તેમાં લય પામવાનો અનુભવ . જોકે એમનાં ભજનોનો આસ્વાદ ગુજરાતને મળ્યો નથી એ એક દુર્ભાગ્યની વાત હું સમજું છું . તેમનાં થોડાંક ભજનો ‘ બુદ્ધિપ્રકાશ‘માં છપાયાં છે .તેમનું અંગ્રેજીમાં લખાયેલું સ્વયંપ્રેરિત ‘ The heart of a Gopi ’ ( ગોપીનું હૃદય ) જેમણે વાંચ્યું હશે તે તો તેમને કદી ભૂલી જઈ શકે તેમ નથી . તેમણે આ ચોપડીનો આમુખ લખી આપેલો છે . ભક્ત હૃદય જ ભક્તને પારખી શકે . કોઈ પણ વસ્તુનું તારતમ્ય , મહત્ત્વ કે રહસ્ય તેનું જે કોઈ પરમ ભક્ત હોય તે જ પૂરું નાણી શકે . તેમણે જે પ્રેમભાવે લખનારની કદર બૂજી છે , એ રીતે લખનારને અનુભવવાની શ્રદ્ધાભક્તિવાળી તાકાત અમારા જીવનમાં પ્રગટો તે પ્રાર્થના છે .

ભાઈશ્રી કાંતિભાઈએ આ બધાં લખાણો ઉતારવામાં જે શ્રમ ઉઠાવ્યો છે . તે શ્રમનો તેમને જીવનમાં પ્રેરણાત્મકપણે ચિતવનરૂપે ખ્યાલ જાગ્યા કરો એટલી પ્રાર્થના છે . અને જે જે વ્યક્તિઓને ઉદ્દેશીને આ લખાણો લખાયાં છે . તે તે વ્યક્તિ આ લખાણો વાંચીને પોતે વધારે ને વધારે પોતાના જીવનના ધ્યેયમાં નિષ્ઠા પામતાં જાય એવી પણ અપેક્ષા હૃદયમાં જાગે છે .

 નંદલાલ ભોગીલાલ શાહ

ગુરુપૂર્ણિમા : સં . ૨૦૦૩ – સને ૧૯૪૭

હરિજન આશ્રમ , સાબરમતી

Categories
Book Gujarati books

પ્રેરક વિભૂતિ મહાત્મા ગાંધી (Prerak Vibhuti-Mahatma Gandhi)

માનવીની શબપૂજા

જગતમાં જ્યાં ત્યાં જોઉં છું કે માનવી તો એના ગયા કેડે એના શબને માત્ર પૂજે છે . આઘે ક્યાં જવું ? મહાત્મા ગાંધીનો પ્રત્યક્ષ જીવતો દાખલો લ્યોને ? એણે તો પોકારી પોકારીને કહેલું કે ‘ભાઈ ! કોઈ મારાં પૂતળાં કે મંદિરો ચણશો નહિ . ‘પણ આજે સમાજ એના શબને પૂજી રહેલો છે . એના જીવનની મૂળ પ્રાણચેતનાને કોણ સ્વીકારે છે ? એના આદર્શને -એની સંસ્કૃતિને – કોણ વરવા ચાહે છે ?

                                                                                                                                                                                        –શ્રીમોટા

‘ જીવનપોકાર ’ , બી . આ . , પૃ . ૧૩૩

 

Categories
Book Gujarati books

પ્રભુની ખોજ (Prabhu ni Khoj)

                                         ‘પ્રભુની ખોજ’ના વાચકને

આ પુસ્તકનું સંપાદન પ્રયોગાત્મક જર્નલ ( Journal ) તરીકે કર્યું છે . આથી , વધુમાં વધુ વાચકો પોતે પ્રયોગ કરી , અમલ કરી નવી સમજણ કે દ્રષ્ટિ અને નવું જ્ઞાન પામે , એ સંપાદનનું પ્રયોજન છે . પૂજ્ય શ્રીમોટા દરેક કક્ષાના ‘જીવન’ને જિંદગીમાં જીવનનાં સુખ – આનંદ પ્રગટાવવાનો માર્ગ દર્શાવે છે . માટે , પૂજ્ય શ્રીમોટાએ દર્શાવેલી રીતોનો વારંવાર પ્રયોગ કરી કરીને શીખવું પડેછે , કારણ કે આપણી રોજની જિંદગીમાં કામાદિથી દોરવાયેલો જીવનપટ પડેલો છે . એમાંથી નીકળવું મુશ્કેલ છે .

માટે ‘ પ્રભુની ખોજ ’ વાંચ્યા પછી ઘણું ઘણું કરવાનું રહે છે . આ બધું સ્મૃતિમાં રહે અને અન્યથા પ્રસંગોમાં આપમેળે ( Automatic ) વર્તાય એ દોહ્યલું હોવાથી , રોજની ‘ યાદનીશી ’ ( Memory Aid ) તરીકે પૂજ્ય શ્રીમોટાની જ રચનામાંથી આ ત્રિપુટી મૂકી છે . એમાંની પહેલી પ્રાર્થના Aid Memorie છે . બીજું ‘ સાધનામર્મ ’ વર્તન માટેનું માર્ગદર્શન ( Guide to Behaviours ) છે . અને આરતી આચરણ સંહિતા ( Guide to Practise ) અથવા વર્તનકળા છે .

આપણું જીવન રાગદ્વેષાદિના પ્રવાહમાં જ તણાયે જાય છે . આથી , ‘ હું ’ કે ‘ મારું ’ – થી – પોતાનાથી નોખા થઈ શકવાની કળા જેવી કોઈ ચીજ છે એની ખબર જ હોતી નથી . ‘ પ્રભુની ખોજ’માં આ કળાની તારવણી થઈ છે . આવી કળા આત્મસાત્ કરી શકાય , પણ આપણે જીવદશાના અનેક જૂના સંસ્કાર સ્વભાવથી પડેલા પટમાંથી બહાર નીકળી શકતા નથી . જો નીકળવું હોય તો … આ પુસ્તકમાં દર્શાવેલા પ્રયોગો વાંચી , સમજી , પ્રભુસ્મરણ આચરણમાં મૂકવા સિવાય કોઈ સરળ સીધો માર્ગ નથી . આપુસ્તકનો ‘ અભ્યાસ ’ એટલે વારંવાર વાંચી , ગોખી , સમજી પ્રેકિટસમાં મૂકવાની કળા આપણે શીખવી હોય તો …

એ માટે થોડાક સમયમાં સહાયક – પ્રેરક બને એવી આ સામગ્રી ( સાધન – ત્રિપુટી ) દિવસ દરમિયાન અનેકવાર ઉપયોગમાં લઈ શકાય . અમને આશા છે કે પૂજ્ય શ્રીમોટાએ કહ્યું છે એ મુજબ પ્રયોગો કરવા અને આત્મસાત્ કરવા કોઈક ધન્ય પળે કોઈક વાચક પ્રેરાશે …

… તો અમારાથી થયેલો આ પ્રયત્ન સફળ થશે … જો વાચકોના અનુભવ – પત્ર દ્વારા નવીન સૂચનો મળે તો પત્ર નીચેના ટૂંકા સરનામે એક પોસ્ટકાર્ડમાં જ મોકલવા , જવાબ જોઈએ તો રિપ્લાઈ પેઈડ પોસ્ટકાર્ડ મોકલવા કૃપા …

સંપાદકો

[ સરનામું : 106 , AKAR , 8 HAREKRISHNA MANDIR Rd . SHIVAJI NAGAR , PUNE PIN – 411016 ]

Categories
Book Gujarati books

મોહ (Moh)

                                      નિવેદન

 

પૂજ્ય શ્રીમોટાએ તાજેતરમાં જ ‘ જિજ્ઞાસા ’ , ‘ શ્રદ્ધા ’ , ‘ ભાવ ’ , ‘ નિમિત્ત ’ ,રાગદ્વેષ ’ , ‘ કૃપા ’ , ‘ કર્મ – ઉપાસના ’ , ‘ સ્વાર્થ ’ , ‘ સદ્દગુરુ ’ વગેરે આધ્યાત્મિક વિભાવનાને સ્પષ્ટ કરતાં શાસ્ત્રો એક પછી એક લખીને પ્રગટ કર્યાં છે . તે જ શ્રેણીનું આ પુસ્તક ‘ મોહ ’ પણ શ્રેયાર્થી અને જીવનવિકાસાર્થે મથનાર તમામ માટે ઉપકારક નીવડે એવું છે .

પૂજ્ય શ્રીમોટા એમની માત્ર ઇચ્છાથી કશું જ લખતા નથી . કોઈ શ્રેયાર્થી પોતાના મંથનના ઉકેલરૂપે કંઈક લખવાનું સૂચવે તો પ્રભુકૃપાથી લખે ખરા , પરંતુ સૂચન કરનાર એ પુસ્તક પ્રકાશન અને થોડીક વેચાણ માટેની પણ જવાબદારી ઉઠાવવાની તત્પરતા દાખવે તો જ .

મોહ ’ ઉપર લખવા માટેનું આવું જ એક સૂચન એક બહેને સુરત આશ્રમમાં પોતાના લાંબા મૌનગાળાના અંતે કર્યું . ઉપરની શરતોને આધીન રહી કંઈક અંશે મોહ છોડવાનું અમલમાં મૂકવાનું બને એ માટે પ્રકાશનની રોકડ રકમની અવેજીમાં સુવર્ણ બંગડીઓ ફરી ન કરાવવાના નિર્ણય સાથે આપવાનું પૂજ્યશ્રીનું સૂચન એ બહેને સહર્ષ સ્વીકાર્યું . આ રીતે મોહ ’ પ્રકાશનનું એ નિમિત્ત બન્યાં છે . એ બદલ હરિ:ૐ આશ્રમ તરફથી એમનો હાર્દિક આભાર માનીએ છીએ .

મોહ ’ વિશે પૂજ્ય શ્રીમોટાએ ૧૬૦૦ જેટલા લોકો લખ્યા છે . એનું વિવિધ વિષયવાર વર્ગીકરણ કરીને તર્કયુક્ત રીતે ક્રમબદ્ધ કરવાનું અને જાણીશુદ્ધિની ખંતપૂર્વકની જાળવણી સહિત પ્રેસકોપી તૈયાર કરવાનું કાર્ય પ્રેમપૂર્વક પ્રા . શ્રી ઇંદુકુમાર દેસાઈએ કર્યું એ અમારે માટે ઘણા આનંદની વાત છે અને અને એમનો હૃદયપૂર્વક ઘણો આભાર માનીએ છીએ.

પૂજ્ય શ્રીમોટાના શરીરનો જન્મદિવસ ભાદરવા વદ ચોથના રોજ આવે છે . તે નિમિત્તે એક ઉત્સવ  શ્રી રમણભાઈ મથુરભાઈ પટેલ ( બંસીધર ગ્રુપ , અમદાવાદ ) ના નિવાસસ્થાને ઊજવવાનું નક્કી થયું હતું , પરંતુ રેલસંકટને કારણે પૂજ્ય શ્રીમોટાના સૂચનથી એ બંધ રાખવામાં આવ્યો હતો . આ પરિસ્થિતિના સંદર્ભમાં જન્મદિનની પૂર્વસંધ્યાએ બપોર પછી શ્રી રમણભાઈના નિવાસસ્થાને મોહ’નું સમૂહવાંચન પ્રા . શ્રી અનુપરામ ભટ્ટના મધુર કંઠે પૂજ્ય શ્રીમોટાના સાંનિધ્યમાં શરૂ થયું હતું . આ માટે પ્રા . શ્રી અનુપરામ ભટ્ટના અમો અત્યંત આભારી છીએ .

સમૂહશ્રવણ માટે સર્વ શ્રી રમણભાઈ મથુરભાઈ પટેલ અને એમના કુટુંબીજનો , કાંતિભાઈ કાંટાવાળા , માનવમંદિર ટ્રસ્ટવાળા કનુભાઈ દવે , ઇંદ્ર વસાવડા , રમાકાંત જોશી , અનુપરામ ભટ્ટ , રમેશ ભટ્ટ , ઇંદુકુમાર દેસાઈ , કાંતાબહેન નંદલાલ શાહ , સરોજબહેન કાંટાવાળા , ઊર્મિલાબહેન દલાલ , ઇચ્છાબહેન દેસાઈ , કલાબહેન દેસાઈ વગેરેએ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો . અધૂરું રહેલું વાંચન બીજે દિવસે એટલે પૂજય શ્રીમોટાના જન્મદિવસે શ્રી લાલજીભાઈ ચૌહાણના ઘેર બપોર પછી આગળ ચાલ્યું હતું . તે વખતે ઉપર નિર્દેશલ સ્વજનો ઉપરાંત , શ્રી લાલજીભાઈ અને એમના કુટુંબીજનો , શ્રી લલિતચંદ્ર દલાલ , મીનાક્ષીબહેન દલાલ , કવિ હેમંત દેસાઈ વગેરેએ હાજરી આપી શ્રવણનાં સહભાગી બન્યાં હતાં , તેની નોંધ લેતાં આનંદ થાય છે .

દર વખતની જેમ આ વખતે પણ મે . એલેમ્બિક પ્રેસ , વડોદરાએ ટૂંક સમયમાં અને સારી રીતે મોહ ’ ને પ્રસિદ્ધ કરવામાં જે ઉત્સાહ અને કાળજી દાખવ્યાં છે , તે કેમ ભુલાય ? આ માટે અમો તેમના ઘણા ઘણા આભારી છીએ . અંતમાં , પૂજ્ય શ્રીમોટાનાં પુસ્તકોનાં વેચાણની સંપૂર્ણ આવક લોકકલ્યાણનાં કાર્ય માટે જ વપરાય છે . આથી , પૂજ્ય શ્રીમોટાનાં પુસ્તકો સૌ કોઈ ખરીદીને જ વાંચે અને તે ખપાવવામાં સહાય કરે એવી અમારી વિનંતી છે .

હરિ:ૐ આશ્રમ , નડિયાદ                                                                                                                                     મેનેજિંગ ટ્રસ્ટી

તા. ૪-૧૦-૧૯૭૩                                                                                                                                                   નંદુભાઈ શાહ

Categories
Book Gujarati books

મૌનાર્થીને માર્ગદર્શન (Maunarthi ne Margdarshan)

મૌનએકાંતમાં સથવારો

હું નમ્રતાથી કહું છું કે ભગવાનનું નામસ્મરણ પણ કરી શકાય એવી વસ્તુ છે . એને વળગી શકાય છે , પણ આજે ભાવના નથી . અને તેના પરત્વે ખરેખરું દિલ પ્રગટ્યું નથી . અહીં તો બ્રાહ્મણ , મુસલમાન , જૈન , ખ્રિસ્તી બધા બેસી શકે . હમણાં નડિયાદમાં એક ૭૫ વર્ષના ડોસા બેઠા હતા . તેમની આંખે પણ દેખાય નહિ . મેં તેમને ભય પણ બતાવ્યો હતો કે અંદર બહુ મુશ્કેલી પડશે . છતાં ડગ્યા નહિ . અને મક્કમ નિર્ધાર કરીને બેઠા . મેં બેસતી વખતે કહ્યું હતું કે તમારી સાથે અંદર કોઈ હશે એ નક્કી માનજો . અમે મૌનમાં બેસનારનું પૂર્ણાહુતિના આગલા દિવસે નિવેદન લઈએ છીએ , તેમણે તેવા નિવેદનમાં લખ્યું છે , કોઈ દિવસ એકલાપણું લાગ્યું નથી .

 – શ્રીમોટા

‘મૌનએકાંતની કેડીએ’, ચોથી આ, પૃ. ૬૮

‘મૌનએકાંતની કેડીએ’, ચોથી આ, પૃ. ૬૮”

Categories
Book Gujarati books

મૌનમંદિરનું હરિદ્વાર (Maun Mandir nu Haridwar)

 

આ પુસ્તકના ઉદ્દભવ અંગે

હરિઃૐ આશ્રમ , સુરતનાં મૌનમંદિરમાંથી મૌનસાધના બાદ બહાર નીકળતાં સ્વજનો – સાધકો સમક્ષ પૂજ્ય શ્રીમોટા ટૂંકું પ્રવચન કરતાં અને જીવન જીવતાં જીવતાં ભગવાનને ભજવા અંગેની વાતો સરળ ભાષામાં સમજાવતા હતા .

એ પ્રવચનોની નોંધ સ્વ . ચૂનીલાલ મોતીરામ તમાકુવાળા તથા સ્વ . છબીલદાસ ( ચંપકલાલ ) છોટાલાલ ભૂતવાળા પ્રેમભાવથી લખી લેતા હતા . આવી હસ્તલિખિત નોંધો પૂજ્ય શ્રીમોટા જોઈ જતા હતા . એ રીતે એ નોંધો અધિકૃત બની જતી . આવી હસ્તલિખિત નોંધો નોટબુક સ્વરૂપે મૌનમંદિરોમાં રાખવામાં આવતી . જેથી , મૌનાર્થીઓ તેને વાંચી શકે અને શક્ય તે રીતે તે વિગતોને પોતાના જીવનમાં તેને ઉપયોગી બનાવી શકે .

પાછળથી આવી નોટબુકોને પુસ્ત સ્વરૂપે છપાવવાનું શ્રીહરિ કૃપાથી શક્ય બન્યું હતું . આ રીતે આવી નોંધો અને નોટબુકમાંથી નીચે મુજબનાં પાંચ પુસ્તકો થયાં હતાં . . ( ૧ ) મૌનમંદિરમાં પ્રભુ ( ૨ ) મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા ( ૩ ) મૌનએકાંતની કેડીએ ( ૪ ) મૌનમંદિરનો મર્મ અને ( ૫ ) મૌનમંદિરનું હરિદ્વાર . ઉપરોક્ત પુસ્તકોનું સંપાદન સ્વ . રમેશભાઈ ભટ્ટ દ્વારા કરી આપવામાં આવ્યું હતું . મૌનમંદિરનું હરિદ્વાર આ પુસ્તકની પાંચમી આવૃત્તિનું હવે પ્રકાશન કરવામાં આવી રહ્યું છે . .

તા. ૨૭-૭-૨૦૦૩                                                                             ટ્રસ્ટીમંડળ ,

રવિવાર                                                                               હરિ:ૐ આશ્રમ , સુરત