Categories
Book Gujarati books

જીવનકેડી (Jivan Kedi)

લેખકના બે બોલ  

બધાં લખેલાં ભજનો એ કાંઈ કાવ્યો નથી. એ તો બધાં જોડકણાં છે. અને તે રોજ ને રોજ વીસપચીસના જથ્થામાં લખાતાં જતાં હોય છે. એમાં નરી સરળતા પણ છે અને સમજાય તેવાં છે. श्रीहरिकृपाથી જે જે રીતે સાધના થઈ છે, જે જે રીતે સાધનામાં ઊંડું ઊતરાયું છે અને ત્યારે તેના પરિણામથી કરી જે તટસ્થતા, ચેતના પ્રગટ્યાં હતાં, અને તેના કારણે કરીને જે પૃથક્કરણ થયું તેનું દર્શન પણ ભજનોમાં ડોકિયાં કરતું જરૂર જણાય છે. આને કોઈ કાવ્ય તરીકે વિચારશો નહિ પણ જોડકણાં તરીકે જ સ્વીકારશો. જે કોઈ जीव સાધનાનો ખરેખરો શ્રેયાર્થી છે, તેને તો મમમમ સાથે કામ છે, ટપટપ સાથે નહિ, તેવા સદ્‌ભાવી શ્રેયાર્થીઓ તો મહીંથી મર્મને ગ્રહણ કરી લેશે.

મારું શરીર ઘણા વેદનાવાળા રોગોથી ભરપૂર છે. તે કાળે તેના શરીરને કોમળ લાગણીવાળી શુશ્રૂષાની ઘણી જરૂર, બલકે તેની આવશ્યકતા અને જરૂરિયાત પણ ખરી. તે માટે श्रीहरिએ કેટકેટલાં સ્વજનો બક્ષ્યાં છે ? અને મારા જેવા તીખા સ્વભાવને પણ તેઓ પ્રેમથી, ઉદારતાથી સ્વીકારી લઈ મારા શરીરને સેવા આપ્યાં કરે છે, તેને હું તો श्रीभगवानની કૃપાપ્રસાદી જ લેખું છું, કેટકેટલાં નામ લખું ? રાજુ, રેણુકા, શ્રીરામ, કાંતાબહેન, ઇંદુ, જયશ્રી, તે બધાંયનો બદલો તો श्रीहरि આપે.

આવાં પુસ્તકો વેચી આપવાનું કામ કેટલાક સદ્‌ભાવી સજ્જનો કર્યાં કરે છે અને હરિઃૐ આશ્રમે પરમાર્થને માટે ઉપાડેલાં કાર્યોમાં ઉઘરાવવા માટે સ્વયંમેળે જે ભાઈઓ ફાળો મેળવ્યા કરે છે, તે બધા ભાઈઓનાં નામનો ઉલ્લેખ કર્યા વિના હૃદયથી ઘણો આભાર માની લઉં છું. આ બધો મહિમા श्रीहरिના નામના પ્રતાપનો જ છે.

‘કેવો હતો ? પતિત શો મુજને ચઢાવ્યો !

ક્યાંયનોય ક્યાંય મુજને ગગને ઉરાડ્યો’,

 દાંડી પીટી  જગતને  કહું ધ્યાન    લેજો,

 એ  છે  પ્રતાપ   પદની    રજધૂલિકાનો.

હરિઃૐ આશ્રમ,

નડિયાદ                                                                                                                                                                                        –મોટા

તા. ૨૩-૨-૧૯૭૪

Categories
Book Gujarati books

જીવનગીતા (Jivan Geeta)

નિવેદન

 સને ૧૯૩૨માં વિસાપુર જેલમાં પ્રથમ વખત શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા પૂજ્ય શ્રીમોટાના વાંચવામાં આવી. દરેક અધ્યાયને એકથી વિશેષ વખત વાંચી જતા. તે પછી તેના હાર્દને પકડી સમશ્લોકી ભાષાંતર તરીકે નહિ પણ ગીતાના તત્ત્વજ્ઞાનને સરળ ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ તરીકે અનુષ્ટુપ છંદમાં તેઓ રચતા ગયા. આ પ્રકારે જીવનગીતા’ રચાઈ છે.

પૂજ્ય શ્રી ગાંધીજીનું વ્યક્ત મંતવ્ય હતું કે આપણું ગુજરાતી સાહિત્ય સરળ અને ‘કોશિયો’ સમજે એવું હોવું જોઈએ. પૂજ્ય શ્રીમોટાને આ કથન સ્વીકાર્ય હતું. ઉપરાંત, તેમના ગુરુમહારાજે પણ જે તે લખાણ સરળ ભાષામાં લખવા કહેલું. અભણને પણ આ જીવનગીતા’ સમજાય છે કે કેમ તે જાણવા સૌ પ્રથમ પોતાનાં માતુશ્રી સૂરજબાને પૂજ્ય શ્રીમોટાએ આ રચનાનો કેટલોક ભાગ વાંચી સંભળાવ્યો હતો અને તેમનાં બાએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે તેઓને એ લખાણ સમજાય છે.

તાત્પર્ય કે આ જીવનગીતા’ની રચના સરળ ભાષામાં થઈ છે. પૂજ્ય શ્રીમોટાનાં સ્વજનોમાં તેમ જ જિજ્ઞાસુ ગુજરાતી ધર્મપ્રેમીજનોમાં પણ એ સ્વીકારાઈ છે. અત્યાર સુધીમાં તેની બારેક હજાર નકલ વેચાઈ ગઈ છે. હાલમાં આ પ્રકાશનની કોઈ પ્રત પ્રાપ્ય નથી. સ્વજનોમાં તેની સતત માંગ રહે છે, તેને ધ્યાનમાં રાખીને આ આઠમી આવૃત્તિનું પ્રકાશન ૧૩ વર્ષ પછી કરતાં અમો ધન્યતાની લાગણી અનુભવીએ છીએ.

ખાસ ઉલ્લેખ કરવાનો કે અગાઉની આવૃત્તિઓમાં અનેક શ્લોકોમાં પૂજ્ય શ્રીમોટાએ જે જે નવી કડીઓ ઉમેરી હતી, તે ફૂટનોટ તરીકે જે તે પાનાંની નીચે છપાઈ હતી. તે તમામ કડીઓને તેમના યોગ્ય લગત સંદર્ભે આ પ્રકાશનમાં સમાવાઈ છે. તેથી, વાંચવામાં સળંગતા અને સરળતા જળવાઈ રહેશે.

આ પુસ્તકની મુદ્રણશુદ્ધિનું કાર્ય પૂરા સદ્‌ભાવથી અને ચોકસાઈપૂર્વક શ્રી જયંતીભાઈ જાનીએ કરી આપ્યું છે. ટાઇટલ ડિઝાઇનનું કાર્ય શ્રી મયૂરભાઈ જાનીએ કરી આપ્યું છે. આ પુસ્તકને સદ્‌ભાવથી છાપી આપવાનું કાર્ય સાહિત્ય મુદ્રણાલયના શ્રી શ્રેયસભાઈ વિષ્ણુભાઈ પંડ્યાએ કરી આપ્યું છે. પૂજ્ય શ્રીમોટા પરત્વેના ભક્તિભાવથી પ્રેરાઈને આ સર્વેએ આ પ્રકાશનમાં આપેલા સહકાર બદલ, તે સૌના અમો ખૂબ ખૂબ આભારી છીએ.

અમોને આશા અને શ્રદ્ધા છે કે આ પ્રકાશનને પણ અગાઉનાં પ્રકાશનોની જેમ ધર્મપ્રેમી જિજ્ઞાસુઓ આવકારશે.

તા. ૨૯-૭-૨૦૦૭                                                                                                                                                                   ટ્રસ્ટીમંડળ,

ગુરુપૂર્ણિમા                                                                                                                                                               હરિઃૐ આશ્રમ, સુરત. .

Categories
Book Gujarati books

જીવનચણતર (Jivan Chantar)

નિવેદન

 પૂજ્ય શ્રીમોટાની સાધનાની જેમ તેમનું સાહિત્ય સર્જન પણ ઝપાટાભેર ચાલ્યું છે. ઉપરાંત, આવાં ભજનોમાં તેમની સાધનાનો ઇતિહાસ છુપાયેલો છે.

પૂજ્ય શ્રીમોટા વિરચિત વિપુલ અને વિરલ સાહિત્યના અભ્યાસીને ઉપર જણાવેલ વિગતની યથાર્થતા કંઈક અંશે સમજાશે. આવા સાહિત્યમાં જીવનચણતર’નો સમાવેશ થાય છે.

વર્ષો વીતશે તેની સાથે સ્વજનોમાં પૂજ્ય શ્રીમોટાના પદ્યસર્જન પ્રત્યે અભિરુચિ વધતી રહેશે અને તેનું વાચન-મનન તેમના જીવનવિકાસના પંથ ઉપર ઉપયોગી બનશે, એવી આશા અને શ્રદ્ધા સાથે જીવનચણતર’ની આ બીજી આવૃત્તિ સ્વજનોનાં કરકમળમાં આનંદની લાગણી સાથે અમો રજૂ કરીએ છીએ.

આ પુસ્તકની મુદ્રણશુદ્ધિનું કાર્ય પૂરા સદ્‌ભાવથી અને ચોકસાઈપૂર્વક શ્રી જયંતીભાઈ જાનીએ કરી આપ્યું છે. ટાઇટલ ડિઝાઇનનું કાર્ય શ્રી મયૂરભાઈ જાનીએ કરી આપ્યું છે. આ પુસ્તકને  સદ્‌ભાવથી છાપી આપવાનું કાર્ય સાહિત્ય મુદ્રણાલયના શ્રી શ્રેયસભાઈ વિષ્ણુભાઈ પંડ્યાએ કરી આપ્યું છે. પૂજ્ય શ્રીમોટા પરત્વેના ભક્તિભાવથી પ્રેરાઈને આ સર્વેએ આ પ્રકાશનમાં આપેલા સહકાર બદલ, તે સૌના અમો ખૂબ ખૂબ આભારી છીએ.

આશા છે કે સ્વજનો આ પ્રકાશનને આવકારશે.

ભાદરવા વદ-૪, સંવત ૨૦૬૩                                                                                                                                             ટ્રસ્ટીમંડળ,

તા. ૩૦-૯-૨૦૦૭                                                                                                                                                        હરિઃૐ આશ્રમ, સુરત

Categories
Book Gujarati books

જીવનઆહલાદ (Jivan Aahlad)

સંપાદકના બે બોલ

જ્યારે પૂજ્ય શ્રીમોટાએ ‘જીવનઅનુભવગીત’થી તેમના સ્વાનુભવની વાણી વહેતી શરૂ કરી, ત્યારે તેમના સંબંધમાં આવેલાં સ્વજનો ઘણાં રાજી થયાં.

જોકે પૂજ્ય શ્રીમોટાએ આ અગાઉ લખેલાં તેમનાં પુસ્તકોમાં જીવનસાધના કરવા ઇચ્છતાં ભાઈબહેનોને માર્ગદર્શક થઈ પડે તેવાં ઘણાં લખાણો સંપૂર્ણ વિગતે લખ્યાં છે અને તેમાંય તેમના સ્વાનુભવની વાણી આવે છે ખરી, પરંતુ જીવનઅનુભવગીત’થી શરૂ થતી તેમની સ્વાનુભવની વાણી એ તેમની સાધનાપંથની નરી વાણી છે. તે રીતે સાધના કરવા જતાં કેવાં કેવાં કષ્ટો પડે છે, કેવી કેવી ભુલભુલામણી આવે છે અને સાધનાની સિદ્ધિનું શિખર સર કરવા માટે કેવાં કેવાં કઠોર તપમાંથી પસાર થવું પડે છે, તેનાં દર્શન તેમની આ સ્વાનુભવની વાણીમાંથી થાય છે. જેથી, જિજ્ઞાસુ સાધકોને માર્ગદર્શન મળશે એવી આશા છે.

ગીતામાં પરમાત્મા પ્રાપ્તિ માટે નામસ્મરણનો આધાર લેવાનું કહ્યું છે. પૂજ્ય શ્રીમોટાએ પણ એકાંતમાં શાંતિથી સૌ નામસ્મરણ કરી શકે, તે માટે તેમના આશ્રમોમાં મૌનમંદિરો સ્થાપ્યાં છે અને નડિયાદ, સુરત, કુંભકોણમ્‌ અને નરોડા(અમદાવાદ)માં આવેલાં આ મૌનમંદિરોમાં બેસીને ઘણાં ભાઈબહેનો તેમના ઇષ્ટ દેવ કે તેમના ઇષ્ટ મંત્રનો જાપ કરતાં હોય છે. પૂજ્ય શ્રીમોટાએ તેમની સાધનાની શરૂઆત નામસ્મરણથી જ શરૂ કરેલી. એથી જ તેમની સ્વાનુભવની વાણીમાં તેમણે સ્મરણ મહિમાને વિશેષ ગાયો છે.

આ રીતે પૂજ્ય શ્રીમોટાએ જ્યારે તેમની સ્વાનુભની વાણી લખવા માંડી, ત્યારે તે લખવાનું તેઓ ચાલુ રાખે અને તેની પ્રસિદ્ધિની જવાબદારી અમે તેમનાં સ્વજનો લઈ લઈશું એવી તેમને વાત કરી અને તેમણે તે સ્વીકારી, તેના પરિણામે જીવનઅનુભવગીત’ પછી જીવનઝલક’, જીવનલહરિ’, જીવનસ્મરણ’, જીવનરસાયણ’ વગેરે પુસ્તકો રજૂ થયાં છે અને તે પછી હવે આ જીવનઆહ્‌લાદ’ પુસ્તક રજૂ થાય છે.

પૂજ્ય શ્રીમોટાએ આ જીવનઆહ્‌લાદ’ છપાવવાનું કામ મને સોંપ્યું, તેને હું મારું સદ્‌ભાગ્ય સમજું છું. તેમના હાથે તેમની સ્વાનુભવની વાણીનાં હજી આવાં બીજાં ઘણાં ઘણાં પુસ્તકો લખાય અને છપાય તથા તેઓશ્રી સમાજ-પરમાર્થનાં કામ કરવા માટે ઘણું ઘણું જીવો એ જ પ્રાર્થના.

 ‘હરિનિવાસ’,                                                                                                                                      પુષ્પાબહેન જયરામભાઈ દેસાઈ

ગોયાગેટ કો. ઑ.

હાઉસિંગ સોસાયટી,

પ્રતાપનગર, વડોદરા-૪

Categories
Book Gujarati books

હૃદય પોકાર (Hraday Pokar)

આમુખ

સંસ્કૃતમાં મહિમ્નઃ વગેરેનું એક અનોખું સ્તોત્ર સાહિત્ય છે અને ભક્તહૃદયોએ તેમ જ સહૃદયોએ એ સાહિત્યને હંમેશાં સત્કાર્યું છે. એ જ વર્ગમાં આવતું આ કાવ્ય હૃદયપોકાર પણ આવકારને પાત્ર છે.

એમાં ભાષાની છટા, છંદનું લાલિત્ય કે અલંકારોની સુભગતા ભલે ન હોય, એની આવાં કાવ્યોમાં અનિવાર્ય જરૂર ગણાય પણ નહિ, પણ એમાં સરળ ભક્ત હૃદયના સાચી ઊર્મિભર્યા ઉદ્‌ગારો છે એ તો સ્પષ્ટ જ છે. કર્તાનું હૃદય ભક્તનું છે અને એ ભક્તહૃદય ભજનીયને ભક્તિપ્રધાન જ્ઞાનની નજરે જુએ ત્યારે જે સરળતા, જે સમર્પણ, જે તનમનાટ, જે દૈન્ય અને છતાં જે અમાપ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ નીપજવો જોઈએ તેનું પ્રતીક આ ભક્તિકાવ્યના જુદા જુદા મુક્તક જેવા શ્લોકોમાં મળે છે. આ મુદ્દો શ્રી નીલકંઠે પોતાની પ્રસ્તાવનામાં સદૃષ્ટાંત સુંદર રીતે ચર્ચ્યો છે, અને એમાં જ આ કાવ્યની ધન્યતા છે. ભક્તિભાવભર્યા સરળહૃદયી લોકમાનસને આ કાવ્ય રુચશે એમ ખુશીથી કહી શકાય.

તા. ૩-૧૧-૧૯૪૪                                                                                                                                                       ડોલરરાય આર. માંકડ

Categories
Book Gujarati books

હરિજન સંતો (Harijan Santo)

લેખકના બે બોલ

આ નાનકડી ચોપડીમાં વર્ણવેલા તથા એવા પ્રકારના બીજા હરિજન સંતભક્તો અનેક પ્રકારની હાડમારી અને હેરાનગતિમાં પણ જીવનના સત્ત્વને ભૂલ્યા નથી. જોકે તેઓ સમાજના નીચલામાં નીચલા થરમાં જન્મ્યા હતા, તેમ છતાં દૈવી પ્રકાશનાં કિરણોને તેમની નાની અવસ્થામાંથી જ તેમણે ગ્રહણ કરી લીધેલાં હતાં. શ્રદ્ધા અને ભક્તિ તરફ એમનાં હૃદય ખુલ્લાં થયેલાં હતાં. શ્રીપ્રભુને તેઓ સર્વ રીતે અને સર્વ પ્રકારે અને સર્વ ભાવે સમર્થ માનતા. તેઓ ભજનો ગાતા, ઉત્તમ પદો બનાવતા, ઉપદેશ કરતા અને શ્રીપ્રભુને ગદ્‌ગદ કંઠે પ્રાર્થના કરતા. આમ હોવા છતાં પણ આવા હરિજન સાધુ પુરુષો વિશે હૃદયનો પ્રેમ-આદર કેળવવો અને એવો વિચાર કરવો એ પણ ઉચ્ચ વર્ણના અંધશ્રદ્ધાળુઓ માટે અસહ્ય હતું. આવા હરિજન સંતભક્તોનો તિરસ્કાર કરવામાં આવ્યો છે, તેમનું અપમાન કરવામાં આવ્યું છે, પવિત્ર સ્થળો અને ઘરોમાંથી ઢોરની માફક તેમને હાંકી કાઢવામાં આવ્યા છે, તેમ છતાં આ સાધુ આત્માઓ જરા પણ ડગ્યા નથી. આવી હાડમારીઓ, આવો તિરસ્કાર, આવી હેરાનગતિ, તથા અનેક કનડગતોની વચ્ચે પણ તેઓ તેમની શ્રદ્ધાને વળગી રહ્યા હતા. તેમના હૃદયમાં જે પ્રકાશ પ્રકાશી રહ્યો હતો, તેના સૂચવેલા માર્ગે આગળ જવાને તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. જે લોકો તેમની કનડગત કરતા, તેમના વિશે કંઈ પણ મનમાં ઇતરાજી કે રાગદ્વેષ તેઓએ રાખ્યાં નથી. આ હકીકત હાલના જમાનાના આપણે બધાં હરિજનોએ ખાસ લક્ષમાં રાખવાની છે. હૃદયની સદ્‌ભાવના, આદર અને સમભાવ જીવતોજાગતો આપણા હૃદયમાં સવર્ણ ગણાતા વર્ગ પરત્વે જાગી ગયેલો હોવો જોઈશે, તો જ આપણે તેમનાં દિલ પિગળાવી શકીશું.  કોઈનાયે જીવનનો પલટો કરાવવાને કાજે આપણે પોતે જ આપણા જીવનને સંપૂર્ણપણે પલટાવી નાખવું પડશે. જીવનમાં ઊંડો ઉત્કટ પ્રેમભાવ પ્રગટ્યા વિના આપણે કંઈ કશું કરી શકવાના નથી, એનું પ્રભુકૃપાથી આપણને યોગ્ય ભાન જાગો એવી હૃદયની પ્રાર્થના છે.

ઉપલા પ્રકારના હરિજન સંતભક્તોની જીવનમાં પ્રગટેલી જીવતીજાગતી નમ્રતા, ભક્તિ અને સંપૂર્ણ સાધુતા હંમેશને માટે ધાર્મિક ઇતિહાસમાં તેમને અમર સ્થાન અપાવશે. આપણા ઇતિહાસમાં ઘણા ઘણાયે વિવિધ પ્રકારનો અને અનેક રંગી ફાળો આપ્યો છે. ઘણા ઉમદા અને સાત્ત્વિક સાધુઓ, મહાન તત્ત્વચિંતકો અને તે તે સમયના યુગાવતાર સમા મહાપુરુષોએ આ મહાન આર્યપ્રજાના જીવનને ઘડ્યું છે. એ ફાળામાં આ હરિજન સંતભક્તોનો અનેરો ફાળો સમાયેલો છે. ધર્મના પ્રદેશમાં શ્રીબુદ્ધ અને શ્રીશંકર ભગવાન તથા એવા બીજા ધર્માચાર્યો મહાન નદીઓ જેવા છે, તો આ નાના નાના હરિજન સંતભક્તો ર્નિમળ ઝરા સમાન તો છે જ. કોઈ ભૂલો પડેલો થાક્યોપાક્યો તરસ્યો મુસાફર કે થાકેલો ખેડૂત એના કિનારે બેસી એનાં ઠંડાં અમૃત જેવાં જળ પી પી પોતે તાજો બનશે, નવીન જીવનની પ્રેરણા તે એમાંથી મેળવશે. આવા સંતભક્તોનો જે વર્ગમાંથી જન્મ થયો છે, તે લોકો તો બિચારા હજીયે અજ્ઞાન અને દુઃખમાં ડૂબેલા છે. તેમનો વસવાટ હજીયે ખંડેર જેવાં ઝૂંપડાંમાં છે. તેમનાં જીવન ગરીબાઈ અને દુઃખથી ભરેલાં છે. ઉચ્ચ ગણાતા સમાજ તરફથી હજીયે તેમની કનડગત અને હેરાનગતિ થાય છે. એમાંના નંદ, ચોખામેળા, રવિદાસ અને હરિદાસ જેવા અનેક સાધુ પુરુષો હજીયે તેમનામાં છે. તેઓ શાંતિથી દુઃખો સહન કરી, રાગદ્વેષાદિ ત્યજી, સર્વ પરત્વે સદ્‌ભાવ અને સમતાથી વર્તી પોતાનું જીવન વ્યતીત કરે છે. આ દુઃખ પામેલા પવિત્ર સંતભક્તોની સાત્ત્વિક જીવનની સ્મરણગાથા આપણને આપણા ધર્મનું યોગ્ય જ્ઞાનભાન કરાવો એ જ પ્રાર્થના છે.

ગાંધી આશ્રમ, સાબરમતી                                                                                                                                                                મોટા

તા. ૧૨-૨-૧૯૫૪